ગાંધીનગર : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે ઓસ્ટ્રેલિયા અને ભારતની અંતિમ ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિહાળી રહ્યા છે. વહેલી સવારથી જ દર્શકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત સુરક્ષાની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ દ્વારા 5000 જેટલા સુરક્ષાકર્મીઓને સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે. દર્શકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્રિકેટ મેચ જોવા આવનારા ફેન્સ મોદીના ફેસકટ પહેરીને સ્ટેડિયમ પહોંચ્યા હતા.
બન્ને દેશના વડાપ્રધાન મેચ જોવા માટે રહ્યા હાજર :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે પહોચી ચૂક્યા છે. તેમજ તેમણે બન્ને દેશના ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી. IPS અધિકારી સુશીલ અગ્રવાલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી સ્ટેડિયમ ખાતે દર્શકોનો જમાવડો શરૂ થયો હતો અને ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા 5000 જેટલા પોલીસ કર્મચારીઓને સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ સ્ટેડિયમ તરફ આવતા તમામ રસ્તાઓને વિહિકલ ઝોન જાહેર કરવામાં પણ આવ્યા છે.