India vs New Zealand T-20 Match: ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વચ્ચેની T-20 મેચ જોવાનો પ્લાન હોય તો આ જાણી લેજો અમદાવાદ:તારીખ 1 ફેબ્રુઆરીએ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની ટી 20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. ત્યારે મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ માટે તારીખ 23મી જાન્યુઆરીથી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું, અત્યાર સુધી 60 હજાર કરતાં વધુ ટિકિટ વેચાઇ છે. મેચ જોવા આવનાર પ્રેક્ષકો માટે 18 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્લોટમાં 50 થી 200 રૂપિયા ચૂકવીને વાહન પાર્ક કરી શકાશે.
આ પણ વાંચો ભારત- શ્રીલંકા મેચ દરમિયાન પીચ પર જવા મામલે યુવક પર પોલીસ ફરીયાદ નોંધાઈ
સાંજે અમદાવાદ પહોંચશે:ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ તારીખ 30 જાન્યુઆરીએ સાંજે અમદાવાદ પહોંચશે. અને તારીખ 31મી જાન્યુઆરીએ સ્ટેડિયમમાં બંને ટીમ પ્રેક્ટિસ કરશે. તારીખ 1 ફેબ્રુઆરીએ મેચ યોજાશે. આ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટનું વિતરણ કરવાના આવ્યું હતું. આ મેચ જોવા 90 હજારથી એક લાખ પ્રેક્ષકો આવે તેવી આશા સેવાઇ છે. હજુ ઓનલાઇન અને ઓફલાઇન 500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની ટિકિટનું વેચાણ ચાલુ છે.
ટિકિટનું વેચાણ ઓછું:લગ્ન સીઝનને કારણે અગાઉની તુલનામાં આ વખતે ટિકિટનું વેચાણ ઓછું છે. કોર્પોરેટ બોક્સની ટિકિટનું વેચાણ સૌથી ઓછું છે. અમદાવાદમાં રમનારી ભારત-ન્યૂ ઝીલેન્ડ માટે ટિકિટના ભાવ 500થી લઈને 10 હજાર સુધીના નક્કી થયા છે. આ બધા વચ્ચે 500થી 1000 રૂપિયા વાળી ટિકિટની માંગ સૌથી વધારે છે. જ્યારે કલબ પેવેલિયનની ટિકિટનો ભાવ સૌથી વધારે 10,000 નક્કી થયેલો છે. જોકે આ વખતે ઓનલાઈટ ટિકિટમાં પણ જોઈએ એટલું ટિકિટનું વેચાણ નથી.
આ પણ વાંચો ટીમ ઇન્ડિયા કાઠીયાવાડીની શાહી બનાવાટ અડદિયા સાથે રીંગણાના ઓળાની લિજ્જત માણશે
ઓનલાઈન બુક કરાવી:જે પણ લોકોએ મેચની ટિકિટ ઓનલાઈન બુક કરાવી છે તે તમામ પ્રેક્ષકો મોટેરા સ્ટેડિયમ અથવા નવરંગપુરના સરદાર પટેલ સ્ટેડિયમ પરથી હાર્ડ કોપી લઈ શકશે. મેચ રસીકો માટે શહેર પોલીસે ખાસ સૂચન કર્યું છે કે અત્યાર સુધીમાં જે 60,000 ટિકિટ બુક થઈ છે તેમાં પાર્કિંગ પ્લોટ માત્ર 300 જેટલા જ બુક થયા છે, એટલે મેચ રસીકોને મેચના દિવસે ટ્રાફિકમાં ન ફસાવવું હોય અને સમયસર મેચનો આનંદ માણવો હોય તો પહેલાથી જ પાર્કિંગ બુક કરાવી લેવું જેથી કરીને પ્રેક્ષકોનો સમય બચી શકે.
એન્ટ્રી માટે ખુલ્લો:નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 અને 2 પબ્લિક એન્ટ્રી માટે ખુલ્લો રહેશે, જ્યારે 3 અને 4 નંબરના ગેટથી VVIP અને VIP ને પ્રવેશ આપવામાં આવશે. મેચને લઈને રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. સમગ્ર રોડ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવશે. છતાં કોઈ વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસની ક્રેન દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવશે. પાર્કિંગ માટે 18 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 50,000 વાહન પાર્ક થઈ શકશે. SHOW MY PARKING એપ્લિકેશન દ્વારા મેચ જોવા આવનાર એડવાન્સમાં પાર્કિંગ બુક કરી શકશે. ટુ વહીલર પાર્કિંગ માટે 50 રૂપિયા અને ફોર વહીલર પાર્કિંગ માટે 200 રૂપિયા ઓનલાઇન ચૂકવવાના રહેશે.
પાર્કિંગ બુક કરાવે:અમદાવાદ ટ્રાફિક પશ્ચિમ DCP નીતા દેસાઈએ આ મામલે જણાવ્યું હતું કે મેચના દિવસે ટ્રાફિક રહેશે તો લોકોએ શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરવો. જરૂર પડ્યે મેટ્રોની ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે. જે લોકો પોતાના વાહન લઈને આવવાના હોય તે એડવાન્સમાં જ પોતાનું પાર્કિંગ બુક કરાવે તો સમયનો પણ બચાવ થઈ શકશે.