ઇન્કમટેક્ષ વિભાગના ગુજરાતના ચીફ પ્રિન્સીપાલ કમિશ્નર અજયદાસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઘણા ચેરિટીના કાર્યો કરવામાં આવે છે. કેરળના પૂર વખતે ટ્રક ભરીને સામાન મોકલવામાં આવ્યો હતો.ઓરિસ્સામાં આવેલા ફેની વાવાઝોડા વખતે પણ લાખો રૂપિયાની સહાય કરવામાં આવી હતી.
ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ કરી અપંગ બાળકોની સહાય
અમદાવાદ: ઇન્કમટેક્ષ વિભાગને 159 વર્ષ પૂર્ણ થતા 24 જુલાઈએ 'ઇન્કમટેક્ષ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત 15 જુલાઈથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલા અપંગ માનવ મંડળ ખાતેના બાળકોની સહાય કરી હતી.
સુરતમાં પણ એક સ્કૂલ દત્તક લેવામાં આવી છે. જેમાં મીડ ડે મિલની જવાબદારી ઇન્કમટેક્ષ વિભાગે લીધી છે. ત્યારે હવે ઇન્કમટેક્ષને 159 વર્ષ પુરા થતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફંડ એકઠું કરવામાં આવ્યું છે. જેમાંથી અપંગ માનવ મંડળના બાળકો માટે વ્હીલ ચેર, સીટ્ર્સ અને વોકર્સ જેવા જરૂરિયાત સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અપંગ માનવ મંડળમાં બાળકોને રાખવામાં આવે છે અને તેમને વિના મુલ્યે ભણતર આપવામાં આવે છે. ત્યારે તેમનું આ કાર્ય જોતા ઇન્કમટેક્ષ વિભાગે પણ સહયોગ આપવાનું નક્કી કર્યું હતું. જેના ભાગ રૂપે ફંડ એકઠું કરીને બાળકો માટે વિવિધ જરૂરિયાતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો આ પ્રકારના સાધનો જાતે ખરીદી શકે તેટલા સક્ષમ હોતા નથી. આ સાધનો મળતા બાળકોના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી.