● ગુજરાતમાં 06 મહાનગરપાલિકાની ચૂંટણીઓ
● 500 કરતા વધુ બેઠકો માટે નોંધાઈ દાવેદારી
● ભાજપમાં 7000 કરતા વધુ ટિકિટના દાવેદારો
અમદાવાદઃ ગુજરાતમાં મીની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ગુજરાતના 04 કરોડ કરતા વધુ લોકો સીધો ભાગ લેશે. એટલે કે ગુજરાતના કુલ વોટર્સના 90 ટકા જેટલા મતદાતાઓ. ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌપ્રથમ ગુજરાતના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરની ચૂંટણીઓ 21 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. જેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થશે. જેમાં મોટા પક્ષોએ ઉમેદવારી પસંદગીની કામગીરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ ફોર્મની છણાવટ થશે. ત્યારબાદ પ્રાદેશિક ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ જાહેર કરશે. જે લગભગ તમામ મહાનગરપાલિકાઓ માટે 03 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થવાની સંભાવના છે.
● ભાજપમાં ટિકિટ માગવાથી લઈને ઉમેદવાર જાહેર કરવા સુધી એક સુદૃઢ પ્રક્રિયા
આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM જેવા પક્ષો દેખાઇ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તો આમ આદમી પાર્ટીએ તો વ્યાપક જનસંપર્ક ઉપરાંત ઉમેદવારોના લિસ્ટ પણ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, તેનું સંગઠન માળખું પણ ખૂબ જ મજબૂત છે. કોઈપણ ચૂંટણીમાં એક નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત આ પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે. આ ચૂંટણીઓમાં ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે પ્રથમ તો આ બધી જ મહાનગરપાલિકાઓમાં વોર્ડ દીઠ 03 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. જેમણે 24 થી 26 જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. નિરીક્ષકોએ જે-તે વોર્ડમાં જઈને ટિકિટ વાંચ્છુ એવા ઉમેદવારોના બાયોડેટા કલેક્ટ કર્યા હતા. આ નિરીક્ષકોમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો, શહેર અને જિલ્લા પ્રમુખોનો સમાવેશ કરાયો હતો. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં નિરીક્ષકો પાસે ઉમેદવારી નોંધાવવા 07 હજાર જેટલા બાયોડેટા આવ્યા છે.
ભાજપમાં 7000 કરતા વધુ ટિકિટના દાવેદારો ● ભાજપમાં અનેક કાર્યકરોએ ફોર્મ ભર્યાસામાન્ય રીતે આ ચૂંટણીમાં ઝંપલાવનાર સંભવિત ઉમેદવારોમાં મોટા પાયે ચાલુ કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, જે તે વોર્ડના અગ્રણી કાર્યકરો, સાંસદની પેનલના કાર્યકરો, ધારાસભ્યોની પેનલના કાર્યકરો, ભાજપના સંગઠનના હોદ્દેદારોના મનગમતા કાર્યકરો વગેરે સભ્યોએ ટિકિટની માંગ કરી હતી. જેને લઇને અમુક જગ્યાએ ગજગ્રાહ પણ જોવા મળ્યો હતો. અમદાવાદના નરોડા વોર્ડમાં ટિકિટને લઈને ચાલુ કોર્પોરેટર અને એક કાર્યકર વચ્ચે મારામારી પણ થઈ હતી. જો કે બાકી જગ્યાઓએ સેન્સની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે.
500 કરતા વધુ બેઠકો માટે નોંધાઈ દાવેદારી ● અમદાવાદ શહેરસૌપ્રથમ ગુજરાતના સૌથી મોટા શહેર ,સૌથી વધુ વસ્તી, સૌથી મોટું કોર્પોરેશન, સૌથી વધુ વોર્ડ અને સૌથી વધુ બજેટ ધરાવતા અમદાવાદ શહેરની વાત કરીએ તો આ શહેરમાં કુલ 48 વોર્ડ આવેલા છે. દરેક વોર્ડની 04 બેઠક ગણતા કુલ 192 બેઠકો આવેલી છે. અમદાવાદમાં કુલ 2037 ફોર્મ આવ્યા છે, એટલે કે પ્રત્યેક વોર્ડમાં એવરેજ 43 જેટલા કાર્યકરે દાવો નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોર્પોરેશનમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાનો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભા અંતર્ગત 14 વોર્ડ આવે છે. જેમાં 579 ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ થલતેજ વોર્ડના 61 ફોર્મ અને સ્ટેડિયમ વોર્ડમાં 28 ફોર્મ આવ્યા છે. અમદાવાદ પૂર્વમાં કુલ 771 ફોર્મ ભરાયા છે. જેમાં કુબેરનગરમાં વોર્ડમાં સૌથી વધુ 102 ફોર્મ અને સૌથી ઓછા સૈજપુરમાં 28 ફોર્મ ભરાયા છે. અમદાવાદ પશ્ચિમમાં 687 ફોર્મ ભરાયા છે. જેમાં અમરાઈવાડીમાં સૌથી વધુ 50 ફોર્મ જ્યારે લઘુમતી વિસ્તાર જમાલપુરમાં 15 ફોર્મ આવ્યા છે.
● સુરત શહેરજો સુરત શહેરની વાત કરવામાં આવે તો અહીં 30 વોર્ડ આવેલા છે. જેમાં 1949 કાર્યકરોએ ફોર્મ ભર્યા છે. એટકે કે પ્રત્યેક વોર્ડ દીઠ 65 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ અડાજણ- પાલ- ઈચ્છાપુર વોર્ડમાં 103 ફોર્મ આવ્યા છે, જ્યારે કાપોદ્રામાં સૌથી ઓછા 36 જેટલા ફોર્મ આવ્યા છે.
● ભાવનગર શહેરભાવનગર શહેરમાં 13 વોર્ડ આવેલા છે, જેમાં 595 ફોર્મ આવ્યા હતા. એટલે કે વોર્ડ દીઠ 46 ફોર્મ આવ્યા છે. સૌથી વધુ ફોર્મ ઘોઘા સર્કલ, અકવાડાના 65 ફોર્મ જ્યારે સૌથી ઓછા ઉત્તર કૃષ્ણાનગર રુવાના 13 ફૉર્મ આવ્યા છે.
● વડોદરા શહેરવડોદરા શહેરમાં 19 વોર્ડ આવેલા છે, જેમાં 1159 ફોર્મ ભરાયા છે. એટલે કે વોર્ડદીઠ 61 જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે. વોર્ડ નંબર 06 માં સૌથી વધુ 115 ફોર્મ ભરાયા છે, જ્યારે વોર્ડ નંબર 15 માં સૌથી ઓછા 49 ફોર્મ ભરાયા છે.
● રાજકોટ શહેરરાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અંતર્ગત કુલ 18 વોર્ડ આવેલા છે. જેમાં આશરે 895 જેટલા લોકોએ ફોર્મ ભરેલા છે. એટલે કે વોર્ડ દીઠ 50 જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે.
ગુજરાતમાં 06 મહાનગરપાલિકાની ચૂંટણીઓ ● આખરી નિર્ણય ભાજપ ચૂંટણી સમિતિનોઉલ્લેખનીય છે કે, સેન્સની પ્રક્રિયા બાદ ફોર્મની છણાવટ થશે. પ્રદેશ ચૂંટણી સમિતિ 13 સભ્યોની બનેલી છે. જેની અંદર મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, સાંસદો અને સંગઠનના મંત્રીઓ સામેલ છે. આ કમિટી ચર્ચા-વિચારણા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરાશે. આ બેઠક 01 થી 03 ફેબ્રુઆરીના રોજ મળવાની છે. કેટલીક મહત્ત્વની બેઠકો માટે નામો કેન્દ્રીય ચૂંટણી સમિતિનીને પણ મોકલવામાં આવે છે કારણ કે જે-તે વિસ્તારના કોર્પોરેટર પક્ષની કામગીરીનું પ્રતીક હોય છે. ઉમેદવારોની યાદી ફોર્મ ભરવાના બે દિવસ અગાઉ એટલે કે 04 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થાય તેવી સંભાવના છે.