ગુજરાત

gujarat

By

Published : Oct 25, 2020, 1:47 PM IST

ETV Bharat / state

અમદાવાદ - આસ્થા અને શ્રદ્ધા સાથે પુરુષોએ સ્ત્રીનો વેશ ધારણ કરી બાધા કરી પરિપૂર્ણ

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી માતાની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરી એટલે કે પુરુષો સાડી પહેરીને આઠમના દિવસે બાધા પૂર્ણ કરવા ગરબે ઘૂમ્યા હતા.

Ahmedabad
અમદાવાદ

  • આશરે 200 વર્ષ જૂની પરંપરા
  • બાધા પૂર્ણ થઇ જેથી પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરીને ગરબે ઘૂમ્યા
  • બારોટ સમાજ માટે આ એક ગરબા અનેરૂ મહત્વ

અમદાવાદ : નવરાત્રિ આવતાની સાથે જ દુનિયાભરના શ્રદ્ધાળુઓના પગ આપમેળે આ ગરબાના તાલે ઘૂમવા માટે તૈયાર થઈ જતા હોય છે. જુદા જુદા પ્રાંતની પોતીકી પરંપરાઓ હોય છે. જેમાંની એક પરંપરા અમદાવાદની એક પોળની આ વાત વિસ્મય સર્જે તેવી છે. પરંતુ કોરોના મહામારીના કાળમાં આ વર્ષે ગરબાના આયોજનને મંજુરી ન મળતા ગરબા રસિકોમાં પણ નારાજગી સર્જી છે. ત્યારે અમદાવાદની આ પોળની વાત શું વિસ્મય સર્જે તેવી છે તે જોઈએ.

આશરે 200 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનું નાવીન્ય અને શ્રદ્ધા

આશરે 200 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનું નાવીન્ય અને શ્રદ્ધાને લઇ આખા ગુજરાતમાં વસતા બારોટ સમાજ માટે આ એક ગરબા અનેરૂ મહત્વ ધરાવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે બારોટ સમાજના પુરુષો સાથે બાધા રાખનાર પુરુષોએ સ્ત્રીનો વેશ ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા.

અમદાવાદની સદુમાતાની પોળની છે આ પરંપરા

અમદાવાદના શાહપુરમાં આવેલી સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમના દિવસે રાત્રે મહિલાનાં કપડાં પહેરી ગરબા રમ્યા છે. આ ગરબા ગાવા માટે પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરીને તૈયાર થતા હોય છે. અહીંના લોકો માતા સામે માનતા રાખે છે. જે પૂર્ણ થતા ગરબે ઘુમવા લોકો આવતા હોય છે. આ પરંપરા અહીંના સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકોએ જાળવી રાખી છે. આ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે અહીં આવ્યા હતા.

અમદાવાદ - આસ્થા અને શ્રદ્ધા સાથે પુરુષોએ સ્ત્રીનો વેશ ધારણ કરી બાધા કરી પરિપૂર્ણ
શાસ્ત્રોતક માન્યતા શું રહેલી છે માતાજીનીઆ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે અહીં આવતા હોય છે. માન્યતાની વાત કરીએ તો વિક્રમ સંવત 1872 ને ભાદરવા વદ ચોથના દિવસે હરિસિંગ બારોટના ઘરેથી સદુબા માથું આપીને સતી થયા હતા. તે સમયમાં પેશ્વાઓ એટલે કે મરાઠાનું રાજ ચાલતું હતું. કોટ વિસ્તારમાં ભાટવાડા પાસે સદુબાના લગ્ન થયા હતા. ભાટવાડામાં બારોટનો વાસ હતો. જેથી બારોટ મહિલાઓ સાથે સદુભા પણ લગ્ન બાદ પાણી ભરવા માટે જતા હતા. એકવાર ઔતમ નામના વ્યક્તિ તેમને પાણી ભરતા પગની પાની જોઈ ગયા હતા. બારોટની સ્ત્રીઓ મર્યાદા અને મુખને પડદામાં રાખતી હતી અને તે સમયે મુખ ન દેખાય તે રીતે લાજ પણ કાઢવામાં આવતી હતી એટલે ઔતમે પગની પાની ઉપરની તારણ કાઢ્યું કે, આ સ્ત્રીના પગ આવા હશે તો તે કેટલી સ્વરૂપવાન હશે.

આ વાત ભદ્ર કિલ્લા જઈ રાજાને કરી અને કહ્યું કે, કોટ વિસ્તારમાં એક સ્ત્રી છે તે ખૂબ જ સ્વરૂપવાન છે. જે આપના કિલ્લામાં શોભે એવી છે. જેથી રાજાએ પોતાના સિપાઈને ભાટવાડે જવાના આદેશ કર્યા અને બારોટજીને તેડું મોકલ્યું. તે સમયે બારોટ સમાજ ભદ્ર ગયા અને ત્યાં રાજાએ સદુબાની માંગ કરી હતી. પરંતુ બારોટોએ ભાટવાડ પરત કર્યા અને સમાજની ઈજ્જત જશે તેવું વિચારવા લાગ્યા હતા. રાજાને કોઇ પ્રતિઉત્તર ન મળતા રાજાએ બારોટ સમાજ સાથે જંગ લડવાનું નક્કી કર્યું. તેની વાત સદુબા સુધી પહોંચી અને સદુભા પણ અચંબામાં મૂકાઈ ગયા હતા.

શાસ્ત્રકારના વર્ણન મુજબ વાત કરીએ તો..

શાસ્ત્રકાર વર્ણન પ્રમાણે લખવામાં આવ્યું છે કે, 300થી વધુ બારોટોએ રાજાના સૈન્ય સાથે લડાઈ કરી અને શહીદ થઈ ગયા હતા. જેથી અન્ય બારોટ ગભરાઈ ગયા અને સામે રાજાનું મોટું સન્ય જોઈએ છુપાઈ ગયા હતા. તે સમયે સદુબાને સત ચડ્યું અને તેમની સ્તનપાન કરતી દીકરીને છુટ્ટી ફેંકી જેથી તે દેવલોક પામી અને ત્યાં ને ત્યાં તેમનો ફૂલોનો ઢગલો થઈ ગયો હતો. ત્યારબાદ સદુબાએ તેમના પતિ હરિસંગ ને કહ્યું કે, મારા કારણે જો આ થતું હોય તો તમે મને મૃત્યુ આપો મારું માથું કાપો પણ કોઈ પતિ પોતાની પત્નીનું માથું ના કાપી શકે. પરંતુ સદુબા તેમને સોગંદ આપી કહ્યું કે, મારું માથું કાપી દો જેથી હરિસંગે તલવાર હાથમાં લઈ સદુબાના મસ્તક પર મારી પણ તે સમયે હરિસંગનો હાથ કંપાયો એટલે કે ધ્રુજી જતા માથું થોડું રહી ગયું અને લટકી પડ્યું હતું. ત્યારે બાજુમાં રહેલી ભાણેજની તલવાર આપી હરિસંગએ કહ્યું કે, મારાથી આ થઈ નહીં શકે જેથી બાજુમાં રહેલા ભાણેજે તલવાર કાઢીને બીજો ઘા કર્યો હતો, ત્યારે સદુબાએ શ્રાપ આપતા કહ્યું કે, તમે તો મારું મોત પણ બગાડ્યું.

ત્યારબાદ સમય જતાં સદુબાના પરચા મળતા બારોટ સમાજ ચિંતામાં મૂકાઇ ગયો હતો. જેથી આ શ્રાપથી મુક્તિ પામવા બારોટોએ સતી સદુમતીની માફી માંગી અને કહ્યું કે, અમે હરિસિંગની આ ભૂલના બદલે ઘાઘરો પહેરીશું. સદુ માતાએ પરવાનગી આપ્યાના બીજા વર્ષેથી જ નવરાત્રીમાં દર આઠમના દિવસે પુરુષો અહીં ઘાઘરા પહેરી ભવાઈ કરે છે. આમાં તેમની પત્નીઓ જ તેમની મદદ કરે છે. પોળના લોકોનું માનવું છે કે, સદુ માતા માતાજીના ભક્ત હતા અને વર્ષોથી તેઓએ અનેક પરચા આપ્યા છે. જેથી આ પરંપરા આજ દિવસ સુધી આગળ ધપી રહી છે.

આસ્થા અને શ્રદ્ધા સાથે લોકોની બાધા થઈ પરિપૂર્ણ

આ વર્ષે નવરાત્રીને લઇ સરકારે હજુ સુધી મંજૂરી આપી નથી. જેમાં માત્ર ધાર્મિક લાગણીને ધ્યાને રાખી નવરાત્રીમાં માતાજીની આરતી અને પૂજા અર્ચના કરી શકાશે તેવું જણાવવામાં આવ્યું છે, પરંતુ શેરી ગરબાને પણ મંજૂરી આપી નથી. ત્યારે શેરીમાં થતા અને પરંપરાગત થતાં ગરબા કરવા માટે સદુમાતાની પોળમાં બાધા અને લોકોની માનતાને ધ્યાને રાખી નાનકડું એક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેમણે બાધા રાખી હોય તેવા લોકોએ પોતાની બાધા પરિપૂર્ણ કરી છે.

આઠમના દિવસે પુરુષો સ્ત્રીના કપડાં પહેરી ગરબા ગાઈ માનતા કરે છે પૂર્ણ

શાહપુર વિસ્તારમાં આવેલી આ સદુ માતાની પોળમાં વર્ષોથી પરંપરાગત નવરાત્રીને નવે નવ દિવસ ગરબાનું આયોજન થતું હોય છે. પરંતુ વિશિષ્ટ કરીને આઠમના દિવસે પુરુષો સ્ત્રીના કપડાં પહેરી ગરબા ગાઈ માનતા પૂર્ણ કરે છે. ત્યારે બારોટ સમાજ સહિત દરેક સમાજના પુરુષોએ તેમાં જોડાયને ગરબા ગાઈ પોતાની માનતા પૂર્ણ કરી હતી. વર્ષોથી ચાલી આવેલી પરંપરા તૂટે નહીં તે માટે થઈને આ વર્ષે નાનકડું આયોજન કરી બાધા રાખનાર લોકોની બાધા પરિપૂર્ણ કરાવી છે. તો બીજી તરફ કૈલાસબેન ભાવસારે જણાવ્યું કે, સદુ માતાની માનતા પૂર્ણ કરવા માટે થઈ આઠમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સદુ માતાની શ્રદ્ધાથી પૂજા અર્ચના અને આજના દિવસે વિશિષ્ટ આરાધના કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details