- કોરોનાના ટેસ્ટની કિંમત માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
- ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો
- RT-PCR ટેસ્ટ જે રૂપિયા 1500માં થતો હતો તે હવે રૂપિયા 800માં થશે
અમદાવાદ: રાજ્યમાં વધતા જતા કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કરોના RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવા માટે 800 રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદની નવનિર્મિત કિડની હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે 400 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણાધીન કિડની હોસ્પિટલને કોરોના ડેડીકેટેડ હોસ્પિટલ માટે કાર્યરત કરવામાં આવી છે. જેને લઈને આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 350 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી કિડની હોસ્પિટલમાં આજથી કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે. જેને પગલે 400 થી વધુ બેડ હાલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલના ત્રીજા અને ચોથા માળે આ તમામ બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે સાતમા માળે વેન્ટિલેટર સહિત આઈ.સી.યુ વોર્ડમાં 82 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા મલ્ટી સ્પેશિયલ મોનિટરીંગ કાર્યરત કરવામાં પણ આવ્યા છે. હોસ્પિટલમાં 20 હજાર લિટર પ્રવાહી ઓક્સિજનની ટેન્ક કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ વધુ જથ્થાથી જરૂરિયાત જણાય તે માટે અન્ય એક 20 હજાર લિટર પ્રવાહી ઓક્સિજન ટેંકને વિકલ્પ રૂપે રાખવામાં આવ્યો છે.