અમદાવાદ:ગોમતીપુરમાં(Gomtipur crime) આવેલી શેઠ કોઠાવાળી ચાલીના નાકે શનિવારે બપોરે 4 શખ્સોએ જાહેરમાં યુવાનને તિક્ષણ હથિયાર વડે 3 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
માનસિક અસ્થિર વ્યક્તિની મશ્કરી
ચારેય મિત્રો એક માનસિક અસ્થિર વ્યક્તિની મશ્કરી કરી રહ્યા હોવાથી આ યુવાને તેમને ઠપકો આપતા ચારેય તેના પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવાનના હત્યારા ન પકડાય ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જો કે ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો:Murder In Mahisagar: ગ્રીષ્મા હત્યાકાંડ જેવીવધુ એક ઘટના, પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાની ના કહેતા પ્રેમીએ ઉતારી મોતને ઘાટ
છાતી, પેટ અને ગળાના ભાગે ઘા મારી મોત
ગોમતીપુરમાં રહેતો અમિત બાબુભાઈ રાઠોડ શનિવારે બપોરે 2.45 વાગ્યે ગોમતીપુર શેઠ કોઠાવાળી ચાલીના નાકે રિક્ષામાં બેઠો હતો, ત્યારે ત્યાં હાજર 4 યુવાનો એક માનસિક અસ્થિરની મશ્કરી કરી રહ્યા હતા. જેથી અમિતે તે ચારેયને ઠપકો આપ્યો હતો કે તમે આને શા માટે હેરાન કરો છે. જે બાબતે ચારેય યુવાનોએ અમિત સાથે ઝઘડો કરી તેને છાતી, પેટ અને ગળાના ભાગે તિક્ષણ હથિયાર વડે ઘા મારી દીધા હતા. જો કે આ ઘટનાના પગલે બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા ચારેય ત્યાંથી ભાગી ગયા હતા.
હત્યારા ભાગી ગયા હતા
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અમિતને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નિપજયું હતું. ઘટનાની જાણ થતા ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી. ગામીત સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે અમિતના હત્યારા ભાગી ગયા હોવાથી પરિવારના સભ્યોમાં ભારે રોષ હતો અને તેમણે જ્યાં સુધી અમિતના હત્યારા ન પકડાય ત્યાર સુધી અમિતનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચો:Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા, CCTV મળ્યાં
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા
જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ અમિતના હત્યારા તેવા 2 ભાઈ સહિત 4 આરોપીને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસે ચારેય આરોપીના કોરોનાના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે, જ્યારે પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને અમિતનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.