અમદાવાદ ઝોન-5માં 10 પોલીસકર્મી કોરોના પોઝિટિવ, હવે ફરજ પોઇન્ટમાં રોજ બદલાવ આવશે - કોરોના પોઝિટિવ કેસ
અમદાવાદમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, જેમાં કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી ત્યારે અમદાવાદ ના ઝોન 5 માં કુલ 10 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાનો શિકાર બન્યા છે ત્યારે હવે વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાનો શિકાર ના બને તે માટે ઝોન 5 ડીસીપી રવિ તેજા દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે ઉપરાંત 15 મેં સુધી અમદાવાદ સંપૂર્ણ લૉક ડાઉન છે તે બાબતના આયોજન મુદ્દે પણ ઝોન 5 ડીસીપી રવિ તેજાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
અમદાવાદ : ડીસીપી ઝોન 5 રવિ તેજાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લૉક ડાઉન છે ત્યારે ઝોન 5 માં સંપૂર્ણ લૉક ડાઉનનો અમલ કરવા માટેનો પ્લાન કરી દેવામાં આવ્યો છે. મહત્વના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવ્યા છે. જ્યારે પહેલાના લૉક ડાઉન કરતા આજે ટ્રાફિકમાં ઘટાડો થયો છે, ઉપરાંત હવે વધુ પોલીસ કર્મચારીઓ કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ ન બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ જવાનોને રોજબરોજ અલગઅલગ જગ્યા પર બંદોબસ્તના પોઇન્ટ આપવામાં આવશે, એક જ જગ્યા પર ફરજ આપવામાં નહીં આવે જેથી સંક્રમણની શક્યતાઓ ઓછી રહે.