અમદાવાદ:ગુજરાતમાં અત્યારે શિયાળો જામી રહ્યો છે. શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખેડૂતો પણ શિયાળુ પાકને લઈને ચિંતિત બન્યા છે. આવનારા દિવસોમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી થતાં ઋતુ ચક્રમાં ફેરફારના એંધાણ પણ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં વાતાવરણને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે. આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે 4 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થવાની સંભાવનાઓ છે.
કેટલું રહેશે તાપમાન ? હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ઇસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જ્યારે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં વાદળો અને વરસાદ રહેવાની સંભાવનાઓ છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે તથા 24 કલાક બાદ તાપમાન 4 ડિગ્રી જેટલું વધી શકે છે અને 3 દિવસ બાદ ફરી તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
ક્યાં પડી શકે છે વરસાદ ?:આગામી 24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે પુરા રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જોકે 25 નવેમ્બરે દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ રહી શકે છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.
ગુજરાતના વાતાવરણની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ઠંડી ધીમે ધીમે વધી રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરે સામાન્ય ગરમી સાથે બેવડી ઋતુ જોવા મળી રહી છે. જોકે હવે કમોસમી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં ઘણા ફેરફાર આવી શકે છે.
- પાટણ ન્યૂઝ: ખેડૂતોને રવિ સીઝનમાં જ નથી મળી રહ્યું ખાતર, ડીએપી ખાતરની અછતથી મુંઝાયા ખેડૂતો
- જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક, તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે મગફળીની ખરીદી