અમદાવાદ SOG દ્વારા સ્પેશિયલ તપાસમાં 47 જેટલા ગેરકાનુની રીતે અમદાવાદમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ બાબતે SOGના DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગેરકાનુની રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં 5 PSIની આગેવાનીમાં ટીમોની રચના કરવામાં આવી હતી. અમદાવાદના ઇસનપુર, શાહઆલમ ચંડોળા તળાવ, દાણીલિમડા, કુબેરનગર અને નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 47 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો ખુલ્લી જગ્યાઓમાં નાનુ ઝુંપડુ બાંધી રહેતા હતા.
અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 47 બાંગ્લાદેશી પક્ડાયા DCP પટેલે વધુમાં જણાવ્યું કે, આ તમામ લોકોની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યુ છે કે, બાંગ્લાદેશમાં રોજગારી ના હોવાના કારણે તેઓ ગમે તે રીતે બોર્ડર ક્રોસ કરીને પ.બંગાળના રસ્તેથી ભારતમાં પ્રવેશ મેળવે છે. ખાસ કરીને પ.બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર જેવી કે બોનોકોલ બોર્ડર, સાતપીડા બોર્ડર અને હાથીબોલ બોર્ડરનો ઉપયોગ ભારતમાં પ્રવેશ મેળવવા માટે થાય છે. જ્યારે આ બોર્ડર ક્રોસ કરવા માટે ખાસ એજન્ટને 6000ની સામાન્ય રકમ આપીને ભારતમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ ગુજરાત અને અમદાવાદમાં આવે છે.
જ્યારે અમદાવાદમાં આ લોકો માત્ર છુટક મજુરી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ છુટકમજુરી જેવી કે શાકભાજીની લારી ચલાવવી, કડિયાકામ કરવું જેવુ પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે SOG દ્વારા ધરપકડ કરાયેલા 47 જેટલા બાંગ્લાદેશીઓ 25 થી 35 વર્ષની ઉંમરના છે. ગેરકાનુની રીતે આવેલા બાંગ્લાદેશીઓને અમદાવાદમાં કોણ મદદ કરે છે અથવા તો બાંગ્લાદેશમાંથી અમદાવાદ આવવા કોઇ એજન્ટ મદદરૂપ થાય છે કે નહી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ તમામ લોકો દેશ વિરોધની પ્રવૃત્તિમાં કોઇના સંપર્ક આવ્યા છે કે, નહી તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.