અમદાવાદ : ભારતીય સુરક્ષા દળોના બનાવટી દસ્તાવેજોના આધારે જમ્મુ કાશ્મીરના રહીશોને ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાના કૌભાંડમાં કાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા જમ્મુ કાશ્મીરના એક શખ્સ તેમજ ગાંધીનગર RTO કચેરીમાં વચેટિયા તરીકે કામ કરતા બે શખ્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગુનામાં અગાઉ ગાંધીનગર RTO માં કામ કરતા બે એજન્ટની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેઓની પાસેથી મોટી માત્રામાં બોગસ લાઇસન્સ અને ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા.
બનાવટી દસ્તાવેજ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 16 જૂન 2023 ના રોજ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં સામેલ ગાંધીનગર RTO કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા સંતોષ ચૌહાણ અને ધવલ રાવતની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક આરોપી જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે. આ શખ્સે ગાંધીનગરમાં રહેતા હોવાની અને સુરક્ષા દળમાં ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તે સુરક્ષા દળના બનાવટી દસ્તાવેજોના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપવાનું કામ કરતો હતો.
આરોપીઓના રિમાન્ડ : આ ગુનામાં જમ્મુ કાશ્મીર ખાતે સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર ગઈ હતી. તપાસ દરમિયાન જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી ખાતેથી નાસર અહેમદ ઉર્ફે નજીર મીર નામના એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીના જમ્મુ કાશ્મીરની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ રીતે કરતા કૌભાંડ : આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે સહ આરોપી વસીમ કુરેશી સાથે મળી ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવતો હતો. તે સુરક્ષા દળમાં ફરજ બજાવતો હોય અને ગાંધીનગરમાં રહેતો હોવાની ખોટી ઓળખ આપતો હતો. જેના આધારે પોતાના ઓળખીતા તેમજ પોતાની ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આવતા જમ્મુ કાશ્મીરના રહીશોના ઓળખના પુરાવા તેમજ ફોટા મેળવી લેતો હતો. તેને પોતાના મિત્ર વસીમ કુરેશી સાથે મળી અગાઉ પકડાયેલા આરોપી અને ગાંધીનગર RTO કચેરીમાં કામ કરતા ધવલ રાવતને મોકલતો હતા. ધવલ રાવતની મારફતે આરોપીએ અત્યાર સુધીમાં 150 થી 200 જેટલા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યા હોવાની કબૂલાત કરી છે.