ઊનાળાની કાળઝાળ ગરમીથી બચવું છે તો, આ રહ્યા ઉપાયો - Weather section
અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જાય છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગરમી એટલી હદે વધી ગઈ છે કે, હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં હવામાન વિભાગે આગામી 26 થી 28 એપ્રિલ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેથી જરૂરિયાત વગર લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ગરમીનો પારો સતત ઊંચો
અસહ્ય ગરમીથી બચવા માટે નીચે જણાવેલ નુસખાઓ અપનાવો
- કોઈ કારણ વગર બપોરના સમયે ગરમીમાં નીકળવું જોઈએ નહીં અને સીધા સૂર્યપ્રકાશથી બચવું
- બહાર નીકળો ત્યારે આખુ શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાવ ખુલતા કપડા, માથે ટોપી અને ચશ્મા પહેરવા
- ઘરની બહાર નીકળતા સમયે છત્રીનો ઉપયોગ કરવો અને ભીના કપડાથી માથુ ઢાંકીને રાખો, અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછો.
- બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં, લગ્ન પ્રસંગે દૂધ માવાની આઈટમો ખાવી નહીં
- ગરમીની મોસમમાં ઉપવાસ કરવાનું ટાળવું અને સવારનું ભોજન બાર વાગ્યા પહેલા લઈ લેવું હિતાવહ રહેશે
- બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ન કરવો, ચા-કોફી અને ખાસ કરીને દારૂના સેવનથી દૂર રહેવું
- વધુને વધુ ઠંડું પાણી પીવાનો આગ્રહ રાખો લીંબુ શરબત, મોળી છાશ, નાળિયેર પાણી, તાડફળી, ઓ.આર.એસ, ખાંડ મીઠાનું દ્રાવણ વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ.
- સીધા સૂર્યપ્રકાશથી બચવા ઝાડ નીચે, ઠંડક અને છાયડામાં વધુ રહેવાનો પ્રયત્ન કરવો.
- ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ ન્હાવું. શક્ય હોય તો, ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.
- નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
- શક્ય હોય તો, ગરમીની મોસમમાં બપોરના સમયમાં બહાર નીકળવાનું બિલકુલ ટાળવું જોઈએ.