અમદાવાદ: હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, જો વાલીઓ પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા નથી, તો રાજ્ય સરકાર તેમની મદદ કેમ કરતી નથી. સરકાર સુવિધાઓ પૂરી પાડી શકી નથી ત્યારે જ ખાનગી શાળાઓ શરૂ થઈ છે. આ મુદ્દે હાઈકોર્ટ તમામ પક્ષને સાંભળ્યા બાદ પોતાનો અંતિમ નિર્ણય આપી શકે છે.
કોરોના લૉકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે. જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસુલી શકશે નહીં. જે વાલીઓએ ફી ભરી દીધી છે તે શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.
લૉકડાઉનના સમયગાળામાં જે વિધાર્થીઓએ વૈકલ્પિક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે તે માટે ફી ની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી તે શાળા કોઈપણ પ્રકારની ફી વસુલી શકશે નહિ. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહીં. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા બાળકોને શાળા હાંકી શકશે નહીં.
વાલીઓ પાસે શાળામાં ફી ભરવાના પૈસા નથી તો સરકાર કેમ મદદ કરતી નથી: હાઈકોર્ટ
શાળાઓ ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર ન ખુલે ત્યાં સુધી સંચાલકો કોઈપણ પ્રકારની ફી ન વસુલવાના શિક્ષણ વિભાગના ઠરાવ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, જો રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે તો આવી કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય નહીં. શાળાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અને તમામ પક્ષકારોને સાથે સાંભળીને કોર્ટ આવતીકાલે આ મુદ્દે નિર્દેશ કે ચૂકાદો આપી શકે છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે વાલીઓ કેમ ફી ભરી શકતા નથી જેના જવાબમાં સરકારે કહ્યું કે આર્થિક સમસ્યાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
વાલીઓ પાસે શાળામાં ફી ભરવાના પૈસા નથી તો સરકાર કેમ મદદ કરતી નથી: હાઈકોર્ટ
વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે કે, ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફી માફ કરવામાં આવે, કારણે કે કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયા છે. નોંધનીય છે કે, કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળા - કોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.