અમદાવાદઃ શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતાં એક જરૂરિયાતમંદ પરિવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, "મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી અને બજારમાંથી દૂધ ખરીદવાના પૈસા પણ નથી " આટલું સાંભળતા જ કલેકટરે સૂચના આપતાં થોડીક ક્ષણોમાં મામલતદાર કચેરીની ટીમ મિલ્ક પાઉડર ખરીદી ફોન કરનારના ઘેર જઈ દૂધનો પાઉડર આપી આવી હતી. શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે ત્યારે સૈજપુર પાસે રહેતા પરિવાર પાસે દૂધ લાવવાના પૈસા ન હોવાથી અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફોન કરતા અમદાવાદ કલેકટર કે.કે. નિરાલાએ અસારવા મામલતદારની ટીમને જાણ કરી હતી.
બાળકના દૂધ માટે પૈસા ન હોવાથી કલેક્ટર કચેરીએ ફોન કર્યો, તંત્ર થોડીક જ વારમાં દૂધ લઈ હાજર થયું - દૂધ પાવડર
સૈજપુર વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારે પોતાનાં બાળક માટે દૂધની માગણી કરતાં કલેક્ટર કચેરીનું તંત્ર માનવીય અભિગમ દાખવતાં તરત જ સાત માસના બાળકના ઘેર દૂધ લઇને હાજર થયું હતું. એટલું જ નહીં, બાળકના પિતાનો પગાર નહીં કરનાર માલિકને પગાર કરવાની સૂચના પણ આપી હતી.
થોડીક ક્ષણોમાં મોલમાંથી મિલ્ક પાઉડર ખરીદીને મામલતદાર તંત્રે પરિવારના ઘેર પહોંચ્યાં હતાં.શહેરના સૈજપુર વિસ્તારમાં પૈજરામ રાઠોર તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની ડોલી રાઠોરને સાત માસનું બાળક છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં પૈજરામ પાસે આ મહિનાનો પગાર ન પહોંચ્યો હોઇ દૂધ લાવવાના પણ પૈસા નહોતાં. તંત્રએ મિલ્ક પાવડર પહોંચાડ્યો અને સાત માસના નૈતિક રાઠોડને દૂધ મળ્યું. અસારવાના મામલતદાર અશોક સિરેસીયા જણાવ્યું હતું કે 'પૈજરામ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમનો પગાર નથી થયો એટલે ઘરમાં દૂધ લાવવાના પણ પૈસા નહોતા અમે તેમને પૂછ્યું છે કે બીજી કંઈ પણ જરૂર હોય તો અમને જણાવે. સાથેસાથે પૈજરામ જે કંપનીમાં નોકરી કરે છે તેના માલિક સાથે પણ વાત કરી સત્વરે તેમનો પગાર કરવા સૂચના આપી છે. જોકે આ પરિવારે અમને એક એવો સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો કે આ દૂધનો પાઉડર ખલાસ થઈ જાય તો પછી શું ?અમારા બાળકનું કોણ. ? અમે એમને અમારો નંબર આપ્યો છે અને જણાવ્યું કે દૂધ અથવા તો અન્ય કોઈ વસ્તુ ખલાસ થાય તેના એક દિવસ પહેલાં આ નંબર ઉપર જાણ કરજો. તમારી બધી વ્યવસ્થા થઈ જશે."