અમદાવાદ :એરપોર્ટ નજીક આવેલા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળી આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ હાથ, પગ અને માથું મળી આવ્યું છે. પોલીસે પાણીમાંથી મળી આવેલા તમામ માનવ અવશેષોને પીએમ અને FSL તપાસ માટે મોકલ્યા છે. આ મામલે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માનવ અવશેષો મળી આવતાં ચકચાર: કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવાય છે. જેમાંથી પૂર્વ અમદાવાદના શહેરીજનોને આજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પુરવઠો અપાય છે. પાણી પૂરવઠો આપવાના પ્રાથમિક તબક્કામાં જ સતર્ક કર્મચારીને માનવ અંગો હોવાનું ધ્યાને આવ્યું હતું. પ્લાન્ટમાંથી માનવ હાથ, પગ અને માથું કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી સાથે આવેલો માનવ હાથ જોઇને કર્મચારીઓ અને અધિકારીઓ ચોંકી ગયા હતા. તેમણે પાણીનું શુદ્ધિકરણ તુરંત જ અટકાવી દીધું. તેમજ હાથને બહાર કાઢી લઇ 15 એમએલડી (મિલિયન લિટર પર ડે) એટલે કે 1.5 કરોડ લિટર પાણીનો જથ્થો ફ્લશ આઉટ કર્યા બાદ પ્લાન્ટની સફાઈ કર્યા બાદ ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. નર્મદા કેનાલ મારફતે માનવ અંગ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.