ચોક્કસ ટાઈમ ટેબલ અને દરેક વિષયને યોગ્ય ન્યાય અમદાવાદ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓ ફરી એક વખત વિદ્યાર્થીઓ કરતા એક પગલું આગળ જોવા મળી રહી છે. અમદાવાદના ઉજાલા ખાતે રહેતી દેવાંશી ડાભીએે 91 ટકા પ્રાપ્ત કરી સમગ્ર તેના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થિનીની સફળતા એટલા માટે ખાસ બની રહે છે કેમ તે તેને મોંઘા ટ્યૂશનો પોસાય તેમ ન હતાં અને તેણે ફક્ત શાળાના શિક્ષણ દ્વારા આ પરિણામ હાંસલ કર્યું છે.
એ વન ગ્રેડમાં પાસ:આજે વહેલી સવારે આઠ વાગ્યાથી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર રજૂ થઇ રહ્યું હતું ત્યારે લાખો વિદ્યાર્થીઓની જેમ જ દેવાંશી ડાભી પણ પોતાના પરિણામને લઇને ઉત્સુક હતી કે પોતાના પરિણામમાં કેટલા ગુણ આવશે. તેનો આત્મવિશ્વાસ હતો કે પોતે સારા માર્કે જ પાસ થશે. ત્યારે પરિણામ જોવા મળ્યું તો તેનો આત્મ વિશ્વાસ વધુ બુલંદ બને તોવું પરિણામ જોવા મળ્યું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું સામાન્ય પ્રવાહ પરિણામમાં તેને 91 ટકા મેળવ્યાં હતાં.
કામેશ્વર વિદ્યાલયમાં અભ્યાસ :ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અનેક વિદ્યાર્થી એ વન ગ્રેડમાં સારા માર્ક પ્રાપ્ત કરીને પાસ થયા છે. તેમાં દેવાંશીને મળેલી સફળતા થોડી અલગ છે. કારણ તે કે હજારો રુપિયાની ફી વસૂલતાં ટ્યૂશન ક્લાસીસનો ટેકો મેળવી શકે તેમ ન હતી. તેના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે. અમદાવાદના ઉજાલા ખાતે રહેતી અને કામેશ્વર વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ માત્ર શાળામાંથી જ અભ્યાસ મેળવવાનો હતો. જેમાં તેણે આકરી મહેનત કરીને આજે 91 ટકા પ્રાપ્ત કરી પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે.
11 વેકેશન શરૂ થતાં જ મેં ધોરણ 12ની તૈયારી શરૂ કરી દીધી હતી. વેકેશન પૂરું થતાં જ સ્ટેટ વિષયનો ભાગ 1 સંપૂર્ણ તૈયાર કરી નાખ્યો હતો. જેના કારણે મારે 12 કોમર્સમાં 91 ટકા અને 99.97 PR આવ્યા છે. સૌથી વધુ માર્ક્સ સ્ટેટમાં 96 માર્ક આવ્યા છે. શરૂઆતમાં પેપરમાં ડર લાગતો હતો. ધોરણ 10માં કોરોના મહામારીનો કારણે બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જેના કારણે બોર્ડની પરીક્ષાનો અનુભવ ન હોવાને કારણે શરૂઆતના સમયમાં ડર લાગી રહ્યો હતો. પરંતુ પહેલા બે પેપર બાદ ડર ઓછો થઈ ગયો હતો અને પેપર વધુ સારી રીતે આપી શકી હતી. અર્થશાસ્ત્રનું પેપર ખૂબ જ લાંબુ અને હાર્ડ હતું. ત્યારે અમને અનુભવ થયો કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હોત તો બોર્ડની પરીક્ષાનો પણ અમને અનુભવ અહીંયા કામ આવ્યો હોત. પરંતુ શાળાની પૂરેપૂરી મદદ હોવાને કારણે હું આટલા સારા માર્ક્સ લાવી શકી છું...દેવાંશી ડાભી (વિદ્યાર્થિની)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે: ધોરણ 12ની શરૂઆત થઈ ત્યારથી જ દેવાંશીએ એક સાપ્તાહિક ટાઈમ ટેબલ બનાવ્યું હતું જેમાં નિયમિત દરેક વિષયને આવરીને તૈયારી શરૂ કરવામાં આવી હતી.. જાન્યુઆરી મહિના સુધીમાં તમામ વિષયોની તૈયારી પૂર્ણ કરીને પેપરની પ્રેક્ટિસ શરૂ કરી હતી. ધોરણ 12 ની શરૂઆતથી જ ટ્યૂશન રાખ્યું ન હતું. માત્ર સ્કૂલ અને ઘરે આવીને પોતાની રીતે જ તૈયારી કરતી હતી. ચોક્કસ ટાઈમ ટેબલ અને દરેક વિષયને યોગ્ય ન્યાય આપીને આટલા માર્ક્સ લાવી આપ્યાં છે. દેવાંશી ડાભીનું ભવિષ્યને લઇને સપનું છે કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે.
- HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ
- HSC Result 2023 : સુરતમાં શાકભાજી વિક્રેતાના પુત્ર પ્રદીપ મહાડીકે બાજી મારી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભણવા માધ્યમ બદલ્યું
- HSC Result 2023: ગુજરાતમાં સૌથી વધુ સુરતના 603 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો