ડિહાઈડ્રેશનથી બચવા આટલા કારણોથી રહો દૂર, જાણો ETV ભારતના વિશેષ અહેવાલમાં... - problem
અમદાવાદ: રાજ્યભરમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ગરમીને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ લોકોમાં જોવા મળી છે. ડિહાઈડ્રેશન થવાથી શરીરમાં રહેલું પાણી ઘટે છે, જેનાથી શરીર નબળું પડી જતું હોય છે. આ ડિહાઇડ્રેશન કયા કારણોથી થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, જાણો ETV ભારતના વિશેષ અહેવાલમાં...
ફાઈલ ફોટો
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડિહાઇડ્રેશનની સમસ્યાની પણ શરૂઆત થઈ જાય છે. લાંબો સમય ગરમીમાં રહેવાના કારણે પણ ડિહાઈડ્રેશન થતું હોય છે. ડિહાઇડ્રેશન થાય ત્યારે ઉબકા આવવા, માથું દુખવું, શરીરમાં બળતરા થવી, ઝાડા-ઉલટી થવી જેવા તમામ લક્ષણો જોવા મળે છે. જેની યોગ્ય સારવાર કરાવવી જરૂરી બની જાય છે. ત્યારે આ ડિહાઈડ્રેશનથી બચવા શું કરવું જોઈએ?
- બપોરના સમયે ગરમીના વાતાવરણમાં ફરવાનું ટાળવું જોઈએ.
- ગરમીમાં બહાર જવાનું થાય, ત્યારે શરીર પૂરેપૂરું ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ.
- માથાના ભાગે ગરમી ન લાગે તે માટે માથું પણ રૂમાલ કે ટોપી વડે ઢાંકવું જોઈએ.
- દિવસભર ભરપૂર પાણી પીવું જોઈએ અને લીંબુ પાણી પણ બને તેટલું વધુ પીવું જોઈએ.
- ડિહાઇડ્રેશનના લક્ષણો- ઝાડાઉલ્ટી, ઉબકા, તાવ, શરીરમાં બળતરા જેવી સ્થિતિમાં ડૉકટરની સમયસર સારવાર લેવી જોઈએ.