અમદાવાદ:વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેને કારણે ગુજરાતમાં આત્મહત્યા કરવાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષના ડેટા જોઈએ તો વ્યાજના ત્રાસથી આત્મહત્યા કરવાના કિસ્સામાં 90 ટકાનો વધારો થયો છે. આ ડેટા જોઈને ગુજરાત સરકાર સફાળી જાગી છે.
વ્યાજખોરનો મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે:ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં જ પોલીસને એક્શન લેવા કહ્યું છે. દરેક શહેર પોલીસના સીનીયર અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજીને આવા વ્યાજખોરોને શોધી કાઢવા માટેની મુહિમ શરૂ કરી છે. અનેક નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અનેક પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની ઘરપકડ થઈ રહી છે. હાલ આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.
ઊંચું વ્યાજ વસુલવું તે ગુનો છે:પોલીસને મળેલી કેટલીક ફરિયાદો સાચી હશે અને કેટલીક ખોટી પણ હશે. તમે રૂપિયા વ્યાજે લીધા તો પાછા તો આપવા જ પડે ને. પણ ઊંચું વ્યાજ વસુલવું તે ગુનો છે. જોકે ઊંચા વ્યાજે પૈસા લેવા પડે સ્થિતિનું સર્જન ન કરવું જોઈએ. અને સરકારે બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
વ્યાજખોરોના ચક્કરમાંથી બચવા શું કરવું જોઈએ?:(1) સમાજમાં મોભો દર્શાવવા માટે ઊંચા વ્યાજે રૂપિયા લઈને ખોટા ખર્ચને ટાળવા જોઈએ (2) સમાજને દેખાડવા માટે લગ્ન પ્રસંગોમાં ધૂમ ખર્ચ ન કરવો જોઈએ (3) ઊંચા વ્યાજે રૂપિયા લેવાની સ્થિતિ ન આવે તેવી રીતે જ તમારી આવકનું પ્લાનિંગ કરો (4) તમારી જરૂરિયાત હોય તો બેંકોમાંથી લોન મળે છે. બેંકોમાંથી કાર લોન, વ્હીકલ લોન, ફ્રીજની ખરીદી પર લોન, મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટરની ખરીદી માટે લોન, ગોલ્ડ પર લોન, તમામ વસ્તુની ખરીદી માટે બેંક વ્યાજે લોન મળે છે. તેનો જ ઉપયોગ કરીએ તો ઊંચું વ્યાજ નહી વસુલવું પડે (5) ઊંચા વ્યાજ વસુલનાર માથાભારે તત્વો હોય છે, તેમની પાસેથી રૂપિયા લેવા ન જોઈએ (6) ઊંચા વ્યાજે રૂપિયાની લોન લઈને ધંધો કે વેપાર ન કરવો (7) વ્યાજનો ધંધો કરનારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન વગરના લોકો ધીરધારનો ધંધો કરે અને વ્યાજ ખાય તો તે ગેરકાયદે છે. (8) ધારો કે તમે ઊંચા વ્યાજે રૂપિયા લઈને ફસાઈ ગયા અને તમને વ્યાજખોર ત્રાસ આપે કે ધમકી આપે તો તમે પોલીસ ફરિયાદ કરી શકો છો. (9) આત્મહત્યાએ અંતિમ રસ્તો નથી.