અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડનું આજે પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં મુખ્યપ્રધાન સહિત ગૃહ રાજ્યમંત્રી અને ધારાસભ્યોએ અલગ અલગ જગ્યાઓ પર આ કાર્યક્રમ સાંભળ્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે તેમજ મુખ્યપ્રધાને શીલજ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની 33 જેલના 17 હજાર જેટલા કેદીઓએ પણ પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો.
ગીતા મંદિર ખાતે હર્ષ સંઘવીએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, 'આ કાર્યક્રમ સાથે અનેક ઇતિહાસ રચાયા છે. એક સમયે એવો હતો કે જ્યારે રેડિયો ભુલાઈ ગયા હતા ત્યારે હવે આ કાર્યક્રમ થકી લોકો રેડિયોનો ઉપયોગ કરતા થયા છે. આજે રાજ્યના નાના ગામડાઓથી લઈને શહેર સુધી મન કી બાતના 100મા એપિસોડને સાંભળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.'
કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ પણ ઉપસ્થિત: મહત્વનું છે કે ગીતામંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SVP હોસ્પિટલ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, LG હોસ્પિટલ, સાબરમતી સેન્ટ્રલ જેલ, ગીતામંદિર એસટી સ્ટેન્ડ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ આ કાર્યક્રમ સાંભળવા માટેનું આયોજન કરાયું હતું.