GFSUને આપેલા વિશેષ દરરજા મુદ્દે હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી - notice
અમદાવાદઃ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU)ને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારતા ગુરુવારે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકાર, એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સિસ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નોટિસ પાઠવી આગામી 8મી જૂલાઈ સુધીમાં ખુલાસો માંગ્યો છે.

આ સમગ્ર મામલે અરજદાર સંદીપ મુંજ્યાસરાએ પાર્ટી ઈન પર્સન તરીકે જાહેરહિતની અરજી કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,‘રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કોઇ પણ શૈક્ષણિક સંસ્થાને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો આપવા માટેના નીતિ નિયમો અને પ્રક્રિયામાં 8 માર્ચ 2019ના રોજ ફેરફાર કર્યા હતા. જેમાં એવો નિયમ લાવવામાં આવ્યો કે સરકાર દ્વારા જે સંસ્થાને ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજીક ઓર સિક્યોરિટી રિલેટેડ ઇન્ટરસ્ટનો દરજ્જો આપે એ સંસ્થાને સેન્ટર ઓફ એક્સિલેન્સ મળી જાય. જો કે નિયમ એવો છે કે, જેતે સંસ્થાએ આ દરજ્જો મેળવવા માટે રૂપિયા. 2 લાખની ફી ભરવી પડે અને રૂપિયા. 5 લાખ ડિપોઝિટ પેટે ભરવા પડે. તે સિવાય 8 પાનાંનું વિસ્તૃત ફોર્મ પણ ભરવાનું રહે.તો આ ફોર્મ સાથેની અરજી ઉચ્ચ સ્તરીય સમિતિ સમક્ષ મોકલવામાં આવે. જે તેની પૂર્ણ ચકાસણી કરીને સરકારને તેની ભલામણ કરે. પરંતુ આવી કોઇ પણ પ્રક્રિયાનું અનુસરણ કર્યા સિવાય 27મી મે 2019ના રોજ GFSUને ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજીક ઓર સિક્યોરિટી રિલેટેડ ઇન્ટરસ્ટ(ISSI)નો દરજ્જો આપી દેવાયો. ત્યારબાદ શિક્ષણ વિભાગે 15મી જૂન 2019એ જાહેર કર્યું કે, ગૃહવિભાગે આ સંસ્થાને ISSIનો દરજ્જો આપ્યો હોઇ તેને સેન્ટર ઓફ એક્સિલેન્સ ઘોષિત કરવામાં આવે છે.’
તો આ રિટમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યાં છે કે, ‘GFSUને માત્રને માત્ર એ માટે સેન્ટર ઓફ એક્સિલેન્સ જાહેર કરવામાં આવી છે, જેથી કરીને તે એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સિસ મારફતે નહીં પરંતુ પોતાની જાતે જ પ્રવેશ પ્રક્રિયા કરી શકે. એટલું જ નહીં ફી રેગ્યુલેશન કમિટિ નહીં પરંતુ યુનિવર્સિટી જાતે જ પોતાની રીતે મનઘડંત રીતે ફી નક્કી કરી શકે. પરંતુ યુનિવર્સિટી વિરૂદ્ધ અનેક પિટિશન કરવામાં આવી છે અને એમાં નામદાર હાઇકોર્ટે ચુકાદા આપ્યાં છે કે, યુનિવર્સિટી મનસ્વી રીતે પ્રવેશ પ્રક્રિયા ન કરી શકે. પ્રવેશ પ્રક્રિયા ACPCની મારફતે જ થવી જોઈએ. તે ઉપરાંત મનઘડંત રીતે તેઓ ફી પણ ઉઘરાવી શકે નહીં. તે ઉપરાંત યુનિવર્સિટીએ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કર્યો નથી અને તેની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ પિટિશન થતાં નોટિસ પણ પાઠવવામાં આવી છે. ત્યારે જે યુનિવર્સિટી હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરતી ન હોય, જેની વિરૂદ્ધ કોર્ટના આદેશના તિરસ્કારની કાર્યવાહી ચાલતી હોય તેને સરકાર ‘સેન્ટર ઓફ એક્સિલેન્સ’નો દરજ્જો કઇ રીતે આપી શકે.’