સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુજરાતમાં પણ મેન્યુઅલ સ્કેવેન્જીંગની અમાનવીય પ્રથા નાબૂદ થાય તે માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ગુજરાતમાં સફાઇકર્મીઓના ગટરમાં થતા મોત રોકવા અને મેન્યુઅલ સ્કેવેન્જીંગ એટલે કે, હાથથી ગટર સાફ કરવાની પ્રથા નાબૂદ કરવા શું પગલાં લેવાયા તેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કરતા હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
કોર્ટે નોંધ્યું છે કે, આ બાબત રેકોર્ડ પર નોંધતા ખૂબ દુઃખ થાય છે કે, રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં કોઇ નક્કર કે નોંધપાત્ર પગલાંઓનો ઉલ્લેખ નથી. રાજ્ય સરકાર પાસેથી એવી આશા હતી કે, મેન્યુઅલ સ્કેવેન્જીંગને રોકવા માટે લેવાયેલા પગલાંઓ અંગે સ્પષ્ટ સોગંદનામું કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. જેથી તેની વિગતનોની તપાસ અને ચકાસણી થઇ શકે. આ વિગતોની જગ્યાએ સરકારે આ પ્રથા રોકવા માટને તેમના પ્રસ્તાવિત આયોજનની વિગતો આપી છે.
હાઇકોર્ટની ટીકા બાદ સરકારે વિગતવાર સોગંદનામું રજૂ કરવા માટે 9 ઓક્ટોબર સુધીનો સમય માગ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, મેન્યુઅલ સ્કેવેન્જીંગ રોકવા માટે નિયુક્ત કરવામાં આવેલા નોડલ અધિકારીઓ, આ પ્રથા રોકવા માટે જો કોઇ બેઠક યોજવામાં આવી હોય તો તેની વિગતો તેમજ ગટરમાં થયેલા સફાઇકર્મીઓના મોતના કેસમાં મેન્યુઅલ સ્કેવેન્જીંગ રોકવાના કાયદાનો અમલ શા માટે કરવામાં આવ્યો નથી તેની વિગતો ચોક્કસપણે સામેલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે તાકીદ કરી છે કે, આગામી સુનાવણીમાં સરકાર નક્કર સોગંદનામું નહીં આપે તો આ કાયદાના અમલ માટે હાઇકોર્ટ જરુરી નિર્દેશો જારી કરશે.
અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2014માં આદેશ આપ્યો હતો કે, તમામ રાજ્યો ગટરની હાથથી થતી સફાઇની પ્રથાને નાબૂદ કરવા તાત્કાલિક ધોરણે પગલાં લે. આ કામ કરતા લોકોને સમાજ હીનતાભરી નજરે જૂએ છે અને તેમને અસ્પૃશ્ય પણે છે. તેથી આ પ્રવૃત્તિમાં રોકાયેલા કામદારો માટે રોજગારીની યોગ્ય અને સન્માનજનક વૈકલ્પિક વ્યવસ્થા શરૃ કરવામાં આવે. વર્ષ 1993 બાદ જે પણ સફાઇકર્મીઓના ગટરમાં યોગ્ય સુવિધાઓ અને સાધનોના અભાવથી મોત થયા હોય તેમના પરિવારને રૂપિયા દસ લાખનું વળતર ચૂકવવામાં આવે. મૃતકોના પરિવારોને જમીનના પ્લોટ અને બાળકોને શિષ્યવૃત્તિ આપવાની જોગવાઇનો પણ સુપ્રીમના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.