પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના મોતીપુરા ગામમાં 6-10-2010ના રોજ સાંજના સમયે મૃતક સુરેશ કેશાભાઇ દેવીપૂજક અને આરોપી ધર્મેન્દ્ર રાજુભાઇ દેવીપૂજક ઓટોરીક્ષામાં સાથે ગયા હતા. ત્યારબાદ સુરેશ કેશાભાઇનો મૃતદેહ રિક્ષામાં મળ્યો હતો. મૃતકન અને આરોપી વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે તકરાર થવાથી તેનું ગળુદાબી હત્યા કરવામાં આવી હતી અને બાદમાં ઝેર પીવડાવાવમાં આવ્યું હતું.
હત્યાના કેસમાં આરોપીની આજીવન કેદની સજા રદ કરતી હાઈકૉર્ટ આ આરોપોના આધારે વર્ષ 2012માં મહેસાણા સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જેથી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની રજૂઆત હતી કે તેમામ સાક્ષીઓની જુબાની પ્રમાણે મૃતક છેલ્લે આરોપી સાથે જોવા મળ્યા હતા. તેઓ ધરે પરત ન આવતા તેમની શોધખોળ આદરવામાં આવી હતી. ત્યારબાદ ગામ બહાર એક રિક્ષામાં તેમનો મૃતદેહ મળ્યો હતો. તેમના ગળા પર ઇજાના નિશાન હતા.
અરજદારની રજૂઆત હતી કે પ્રોસિક્યુશનનો સમગ્ર કેસ માત્ર સાંયોગિક પુરાવાઓના આધારે ઉભો કરવામાં આવ્યો છે અને આ ઘટના નજરે જોનારા કોઇ સાક્ષીઓ નથી. મૃતક છેલ્લે આરોપી સાથે જોવા મળ્યો હોવાથી આરોપીએ તેની હત્યા કરી હોવાની થિયરી ઘડવામાં આવી છે અને કેસના સાક્ષીઓ પણ આ પ્રમાણે નિવેદનો આપ્યા છે.
આ ઉપરાંત સાક્ષીઓ પણ પક્ષપાત કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેથી તેમના નિવેદન પર આધાર રાખી શકાય નહીં. પ્રોસિક્યુશન આ કેસની કડીઓ જોડવામાં નિષ્ફળ નીવડયું છે, તેથી આરોપી સામેના આરોપ સ્થાપિત થતા નથી. આ ઉપરાંત સેશન્સ કોર્ટનો નિર્ણય પણ ધારણાઓ અને પૂર્વાનુમાન આધારિત છે.
ફોરેન્સિક રિપોર્ટ પણ આ આરોપી વિરૃદ્ધના ગુનાઓ સિદ્ધ કરતો નથી. પોસ્ટ મોર્ટમ કરનારા તબીબે પણ કહ્યું છે કે મૃત્યુનુ કારણ ઓર્ગેનો ફોસ્ફરસ નામનું ઝેર છે. મૃતકના ગળા પર એવી કોઇ ઇજાઓ થઇ નથી જે મૃત્યુ નીપજાવી શકે. આ રજૂઆતોને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે નોંધ્યું છે કે પ્રોસિક્યુશન કેસ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગયું છે અને ઘટનાઓની કડીઓ જોડી શક્યું નથી. જેથી આરોપીની સજા રદ કરી તેને મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.