અમદાવાદ:વેરાવળના ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ સુસાઇડ કર્યું હતું. ડોક્ટર પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની સામે ફરિયાદ ન નોંધાતા તેમના પુત્ર હિતાર્થે સુપ્રીમ કોર્ટના નિર્દેશને ટાંકીને કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી.
હાઇકોર્ટે ફગાવી અરજી:હાઇકોર્ટમાં આ કેસમાં થોડા દિવસો અગાઉ જ દલીલો પૂર્ણ થઈ ગઈ હતી. આજે હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં પરિવાર દ્વારા કરવામાં આવેલી કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. આ અરજી હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.
અગાઉ ચૂકાદો અનામત રાખ્યો: નોંધનીય છે કે અગાઉની સુનાવણીમાં પોલીસના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ અરજી કોર્ટમાં ટકવાપાત્ર નથી. કારણ કે સુપ્રીમ કોર્ટના હુકમના ભંગનો જો આરોપ હોય તો અરજીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવી જોઈએ. આ કેસમાં હાઇકોર્ટને કન્ટેમ્પટ માટેની કાર્યવાહીની હકુમત નહીં હોવાની દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મુદ્દે નિર્ણય અનામત રાખ્યો હતો. જેનો આજે ચૂકાદો આપતાં અરજીને ફગાવી દીધી હતી.