સરકારી જમીન પર ગેરકાયદેસર બિલ્ડિંગ કેસમાં હાઈકોર્ટે આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા - વટવા
અમદાવાદઃ વટવાના નબીનગર વિસ્તારમાં સરકારી જમીન પર રહેણાંક બિલ્ડિંગ બાંધી 120 લોકો સાથે છેંતરપીંડી કરનાર ભાજપના સ્થાનિક વિધાનસભા ઈન્ચાર્જ મુકરમ શેખ સહિત અન્ય 4 લોકોના શુક્રવારે હાઈકોર્ટના જસ્ટીસ વે.વાય. કોગ્જેએ આગોતરા જામીન ફગાવી દીધા છે. વર્ષ 2017માં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા વટવા વિધાનસભા બેઠકથી વિજયી થયા હતા.
વર્ષ 2013 -14માં વટવા કેનાલ પાસે આવેલા નબીનગર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાદેસર રહેણાંક બિલ્ડિંગનું બાંધકામ કરાવી 120 જેટલા ગરીબ પરિવારો સાથે છેંતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. આશરે પાંચ વર્ષ બાદ જ્યારે અમદાવાદ કલેક્ટર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામને તોડવા માટે બુલ્ડોઝર ફેરવવાનું શરૂ કર્યું ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. કલેક્ટર દ્વારા બાંધકામ દુર કરવાની પ્રક્રિયા શરૂ થતાં ત્યાં રહેતા લોકો દ્વારા બિલ્ડર પાસે પૈસા પાછા માંગવામાં આવ્યા હતા. જોકે બિલ્ડરે પૈસા પરત ન કરતા તેની વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.