હાઈકોર્ટમાં દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પીટીશનમાં દલીલ કરવામાં આવી છે કે, વર્ષ 2017ની સરખામણીમાં વર્તમાન સમયના રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા વધુ વણસી છે. ચોમાસામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર માર્ગ અને રોડ - રસ્તા પર હલકી ગુણવતાથી રોડ્ બનાવવામાં આવતા ઠેર - ઠેર ખાડા જોવા મળે છે.
રોડ-રસ્તાની બિસ્માર સ્થિતિ મુદે કન્ટેમ્પટ અરજીમાં હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશ્નરને નોટીસ પાઠવી જાહેર માર્ગો પર ફરીવાર ગેરકાયદેસર બાંધકામને લીધે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જસ્ટીસ એમ.આર શાહ દ્વારા જાહેર માર્ગ પર વાહન પાર્ક ન કરવા મુદે આપેલા સુચનોનું પણ ક્યાંય પાલન થતું નથી.
અરજદાર દ્વારા પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોર્પોરેશનને રોડ - રસ્તા રિપેર અથવા ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મોટી સંખ્યામાં તક આપવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના સી.જી. રોડમાં કોર્પોરેશન દ્વારા ફુટપાથ પહોળી કરવામાં આવી છે. જેને લઈને રોડનો એરિયા ઓછું થતાં ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તેમજ વન-વે માર્ગ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ છે. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 2018માં જસ્ટીસ એમ.આર શાહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે શહેરમાં ટ્રાફિક અને બિસ્માર રોડ - રસ્તાને લઈને કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને કેટલાક નિર્દેશ કર્યા હતાં અને ત્યારબાદ બંને વિભાગની સંયુકત કામગીરીના ભાગરૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.