અમદાવાદઃ ઇન્ચાર્જ કમિશ્નરે કરેલા આદેશના પગલે સાંજના સમયે ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે લોકોએ રસ્તા ઉપર ઉતરીને લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું. પરિણામે ભીડ પણ સર્જાઈ હતી. જેથી કોરોના વાઇરસ ફેલાવવાની શક્યતા પણ વધી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્રના આ નિર્ણયને કેટલાક બુદ્ધિજીવીઓએ વખોડી કાઢયો હતો. તેમનું કહેવું છે કે સૌ પ્રથમ તો બંધારણના આર્ટીકલ-21 પ્રમાણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી નાગરિકોને વંચિત કરી શકાય નહીં.
AMC કમિશ્નરના આદેશ વિરુદ્ધ પિટિશન કરશે હાઇકોર્ટના વકીલ - એએમસી કમિશનર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત ઇન્ચાર્જ કમિશ્નર મુકેશ કુમાર દ્વારા અચાનક જ જીવન જરૂરિયાતની વસ્તુઓ એવી કરિયાણા અને શાકભાજી તેમ જ ફળોના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેને લઈને શહેરમાં ભારે અરાજકતા સર્જાઈ હતી. આવા આદેશ સામે હાઈકોર્ટના વકીલે બાંયો ચડાવી છે.
![AMC કમિશ્નરના આદેશ વિરુદ્ધ પિટિશન કરશે હાઇકોર્ટના વકીલ AMC કમિશનરના આદેશ વિરુદ્ધ પિટિશન કરશે હાઇકોર્ટના વકીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7104620-thumbnail-3x2-advocate-7209112.jpg)
બીજી તરફ આ આદેશ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનની વિરુદ્ધનો છે. આ તકે હાઇકોર્ટના એડવોકેટ વિનોદ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના આ આદેશ બાદ શહેરમાં અંધાધૂંધી સર્જાઈ હતી. જો કોરોના વાઇરસના સંક્રમણને રોકવા જ તેમને આ નિર્ણય લીધો હોય તો નાગરિકોને કરિયાણું ખરીદવા સમય આપવો જોઈતો હતો. જે લોકો પાસે અત્યારે બે દિવસનું પણ રાશન નથી, તે લોકો દસ દિવસ રાશન વગર કેવી રીતે રહી શકશે. તો આવા નિર્ણયથી અનાજ અને શાકભાજીના કાળા બજારને ઉત્તેજન મળશે. પરિણામે ગરીબ લોકોએ વધુ રૂપિયા ચૂકવીને આ વસ્તુઓ ખરીદવી પડશે અથવા તેમને ભૂખ્યાં રહેવાનો વારો આવશે.
આ ઉપરાંત હાઇકોર્ટના વકીલ વિનોદ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે એટલે કે 8 મેના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર આ આપખુદ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન કરશે.