ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટ અને તેમના પિતાના જામીન મંજૂર કર્યા - મહિસાગર ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટ

અમદાવાદ: વર્ષ 2013માં વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન ભાજપના MLA મોતી વસાવા પર હુમલાના કેસમાં મહિસાગર ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટે ફટકારેલી વર્ષની સજા સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરતા જસ્ટિસ આર.પી ધોલરિયાએ મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ અને પિતા વેચત ખાંટના અપીલ અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધીના જામીન મંજૂર કર્યા છે.

હાઈકોર્ટ
હાઈકોર્ટ

By

Published : Nov 28, 2019, 8:56 PM IST

હાઈકોર્ટે 50 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર બંને પિતા-પુત્રના જામીન મંજૂર કર્યા છે. ગત 29મી સપ્ટેમ્બરના રોજ મહિસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે કોંગ્રેસી પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને ફટકારેલી ત્રણ વર્ષ સાદી કેદની સજાને પડકારતી અપીલ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી હતી.

લુણાવડા સ્થિત મહિસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગત 23 સપ્ટેમ્બરના રોજ ડેડિયાપાડાથી ભાજપના ધારાસભ્ય મોતી વસાવા અને અન્ય લોકો પર હૂમલા કરાવવાના કેસમાં સજા ફટકારી હતી. આ કેસમાં કુલ 14 આરોપીઓ પૈકી 11 આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી કેસની ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો હતો. કોર્ટે બંને પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને દોષિત માનતા 3 વર્ષ કેદની સજા ફટકારી હતી. કોર્ટે બંને આરોપીઓને અપીલ દાખલ કરવા માટે 60 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2013માં પેટા ચૂંટણીના પ્રચારપ્રસાર દરમિયાન સરાસવા ચાર રસ્તા પાસે ભાજપના નેતા અને તેમના કાર્યકર્તાઓ પર આશરે 14 લોકો દ્વારા પાઈપ અને લાઠી વડે હૂમલો કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓની કારમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મુદ્દે IPCની કલમ 323 અને 427 મુજબ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરવાહડફ બેઠકથી સવિતા ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. જો કે, પરિણામના થોડાક દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. વર્ષ 2017માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં ભુપેન્દ્રસિંહ ખાંટે અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્રસિંહ ખાંટના જાતિના પ્રમાણપત્ર ખોટા હોવાનું સામે આવતાં વિધાનસભાના સ્પીકરે તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. ભુપેન્દ્રસિંહ ખાંટના પિતા વેચતભાઈ ખાંટ પંચમહાલ બેઠક પરથી 2019 લોકસભાની ચૂંટણી લડયા હતા, જોકે ભાજપના રતનસિંહ રાઠોડ સામે તેમનો પરાજય થયો હતો.

ABOUT THE AUTHOR

...view details