હાઇકોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે, હાલ ભગા બારડ પર કન્વીક્શન અને રૂપિયા 2500નો દંડ પણ યથાવત રહેશે. એટલું જ નહીં તાલાલા બેઠકની પેટા-ચૂંટણી પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 23મી એપ્રિલના રોજ યોજાશે.
તાલાલા બેઠક પર વહેલી પેટા-ચૂંટણી યોજવા બાબતે ચૂંટણી પંચે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, ધારાસભ્યને રાજ્યપાલ ગેરલાયક ઠારે તો 8 સપ્તાહનો અપિલ પિરિયડ આપવામાં આવે છે. પરંતુ ભગા બારડ વિરુદ્ધ કેસમાં કોર્ટે ફટકારેલી સજાથી ગેરલાયક થયા છે, જેથી અપીલ પિરિયડ લાગુ પડતોનથી.
એટલું જ નહિ લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી યોજાઈ જાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનો પણ ચૂંટણી પંચના વકીલ મિહિર જોશી દ્વારા દલીલ કરવામાં આવી હતી. સ્પીકરના નિર્ણયને રીવ્યુ કરવાનુંકામ ચૂંટણી પંચનું નથી. સ્પીકર એકવાર પોતાનો નિર્ણય જાહેર કરે અને કોઈ બેઠક ખાલી હોય તો તેમાં ચૂંટણી પંચ સમીક્ષા કરી શકે નહિ. ઇલેક્શન કમિશને કોઈ પણ રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર બિન -પક્ષપાતી રીતે કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. આગામી સમયમાં જો ભગા બારડની સજા પર ફરીવાર જો સ્ટે મુકવામાં આવે તો એ જાહેર થયેલી પેટા-ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ભગા બારડના વકીલે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે પેટા-ચૂંટણી પર સ્ટે આપવામાં ન આવે તો મુશ્કેલી ભરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે 28મી માર્ચે તાલાલા બેઠકની પેટા-ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ થશે.
બારડના વકીલે વધુમાં કહ્યું કે, અગાઉ ઘણાં એવા નેતા છે કે, જેમને સજા થઈ ચૂકી છે પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. ભગા બારડને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, તો બીજેપીના ઘણા એવા નેતા છે કે તેમને કોર્ટ સજા ફટકારી છે તો તેમને કેમ સસ્પેન્ડ ન કરાયા હોવાનો સવાલ કર્યો હતો. અમરેલી ભાજપના સાંસદ નારાયણ કાચડિયાને પણ 3 વર્ષની સજા થઈ હતી. હજી સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.