- રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
- 13થી 15 ઓગષ્ટ ભારે વરસાદની આગાહી
- શહેરમાં 24 કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા આવ્યાં છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના પાટનગર સહિત અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13થી 15 ઓગષ્ટ ભારે વરસાદની શક્યતા છે. 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે જન્માષ્ટમી હોવાથી અમી છાંટા સ્વરૂપે આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. એસજી હાઈવે, શ્યાલમ ચાર રસ્તા, વેજલપુર, સેટેલાઈટ, બોડકદેવ, ગોતા, ઘાટલોડિયા, નિકોલ, નરોડા, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.