- આજે મંગળવારે પણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી
- વેલમાર્ક લો પ્રેશર યથાવત
- આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે
- પવનની ગતિ 40થી 60 km પ્રતિ કલાક રહી શકે છે
અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે.
વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યનાં તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં દેશમાં પણ અલગ-અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારે વરસાદને લઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી લોકોને આસપાસનાં વિસ્તારમાં ન જવા માટેની અપીલ કરાઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ આજે સારો એવો વરસાદ વરસી શકે છે.