રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ 24 કલાક ભારે અમદાવાદ: ગુજરાતમાં હાલ ચોમાસું સીઝનમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદે ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ ઊભી કરી હતી. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાંડવ મચાવનાર મેઘરાજા થોડા હળવા થયા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ તથા આવનારા 24 કલાક માટે વધુ એક આગાહી કરી છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ 24 કલાક ભારે છે.
દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને તાપી માં આગામી 24 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ 24 કલાક બાદ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ રહેવાની શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે કે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી: પવનોની ગતિ જોતા દરિયાકિનારાના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા 5 દિવસ સુધી આ ફિશરમેન વોર્નિંગ રહેશે. પરંતુ મોન્સૂન સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જોકે છેલ્લા એક માસથી ગુજરાતમાં વરસાદને કારણે અવિરત મેઘમહેર જોવા મળી હતી, ત્યારે હવે ટૂંકા વિરામ બાદ ફરી એક વાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમ્યાન કરેલી આગાહીને પગલે દક્ષિણ ગુજરાત પર આફત સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
સિઝનનો 85 ટકા વરસાદ વરસ્યો: ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી અસરથી મેઘમહેર થઈ છે. ત્યારે છેલ્લા એક માસમાં ગુજરાતમાં વરસેલા વરસાદી આંકડા પર નજર કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. અને આગામી દિવસોમાં આ આંકડો વધી 100% ઉપર આંકડો વટાવી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વરસાદી મહેરને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ ડેમો પણ ભયજનક સપાટીએ પહોંચવા આવ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં પર હજુ પણ આગામી દિવસોમાં સારા વરસાદની આશા છે.
- Jamnagar News: જામનગરનો વિજરખી ડેમ થયો ઓવરફ્લો, જુઓ ડ્રોન વિડીયો
- Banaskantha Rain: બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીમાં ધોવાઈ ગયો, વાહન ચાલકો મુશ્કેલીમાં