અમદાવાદના પશ્ચિમ એટલે કે સુભાષબ્રિજ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેતા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ લોકોની લાઇન RTO કચેરીની બહાર લાગી હતી. ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય, લાયસન્સ રીન્યુ, લાયસન્સ બેકલોગ તથા ઓટો રીક્ષા ચાલકોને કાચા લાયસન્સ માટેના કામ RTOમાં ચાલુ રાખવામાં આવ્યા હતાં.
અમદાવાદમાં RTO કચેરી રવિવારે પણ ચાલુ રખાતા લોકોની ભારે ભીડ - ટ્રાફિક નિયમો અમદાવાદ
અમદાવાદ: સરકારના આદેશ બાદ હવેથી રવિવારે પણ RTO કચેરી ચાલુ રાખવામાં આવી છે, ત્યારે અમદાવાદ RTOમાં પણ લોકોની સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. લાયસન્સ સહિતના કામો માટે RTOમાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ ARTO સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઓફિસમાં હાજર રહ્યા હતાં અને પોતાની કામગીરી કરી હતી.
RTO કચેરીમાં અભણ રિક્ષાચાલકો પણ લાયસન્સ કરાવવા આવ્યા હતાં. જેમની ફરિયાદ હતી કે, તેઓ અભણ છે તો કાચા લાયસન્સ માટેની ટેસ્ટ તેઓ કોમ્પ્યુટરમાં કેવી રીતે આપશે અને ટેસ્ટમાં બેઠા બાદ તેઓને વાંચતા નથી આવડતું તો તે સવાલના જવાબ પણ કઈ રીતે પસંદ કરી શકશે. આ મામલે RTO એ જણાવ્યું હતું કે, અભણ વ્યક્તિઓ માટે એક કર્મચારી રાખવામાં આવેલ છે. જે તમામ સવાલ બોલીને સંભળાવશે. જેના માટે લોકોએ માત્ર જવાબ જ પસંદ કરવાના રહેશે. આ ઉપરાંત લોકો માટે પાણીની, તડકા ન આવે તેવી સમગ્ર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.