- 125 બેઠકોના લક્ષ્ય સાથે કોંગ્રેસ મેદાને ઉતરશે
- તમામ વર્ગના લોકો માટે કામ કરીશું - હાર્દિક પટેલ
- ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતા ચૂંટણી લડશે
અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે હજી નેતાગીરી અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ ફોડ પાડ્યો નથી. ગાંધીનગર મ.ન.પા હાર્યા પછી પણ કોંગ્રેસમાં જીતવાનો જ જોશ દેખાઈ રહ્યો છે. જો કે કોંગ્રેસ નવી સ્ટ્રેટેજી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને જીતીશું અને 125 બેઠકો જીતીશે, એવો વિશ્વાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ETV BHARAT સાથેના ઇનટરવ્યુંમાં જણાવ્યું હતું.
પ્રશ્ન - ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર મેળવી તે પછી કોંગ્રેસે શું ચિંતન ક્યું છે?
જવાબ : અમે પહેલા જ કહ્યું હતું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, તેમના વોટ કોંગ્રેસને ના મળે તે માટે ત્રીજી પાર્ટીને ફંડિગથી લઈને પુરી સુવિધા સહિતના તમામ કામ ભાજપ કરી રહ્યું છે. પરિણામ એવું આવ્યું કે તેને કારણે જ મતનું વિભાજન થયું અને ભાજપ જીત્યું. હું પહેલેથી કહેતો આવ્યો છું કે ભાજપને ટક્કર આપવાની ક્ષમતા હોય તો તે કોંગ્રેસ પાર્ટીમાં જ છે. કોંગ્રેસ જનતાના વિવિધ મુદ્દાને લઈને આંદોલન કરે, લોકોને ન્યાય અપાવવાનું કામ કરે, જનતાના મુદ્દા એક મોટા આંદોલનના સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવાનું કામ કરે. ગાંધીનગરની ચૂંટણીનું જે પણ પરિણામ આવ્યું તેમાં આત્મમંથન પછી અમે સતત જનતાના હિતો માટે, જનતાની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરીશું. અને મને વિશ્વાસ છે કે જનતાના આર્શીવાદથી પરિવર્તનની લહેર લાવીશું.
પ્રશ્ન - ETV BHARAT ભારતે પણ ગાંધીનગર મ.ન.પા.ના પરિણામનું એનાલીસીસ કર્યું હતું. તે મુજબ આમ આદમી પાર્ટી જો આ ચૂંટણી ન લડી હોત તો 44 બેઠકોમાંથી 23 બેઠક કોંગ્રેસને મળી હોત, એટલે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ કાપવાનું કામ કર્યું છે, જે તમે કહી રહ્યા છો. પણ હવે 2022માં ફરીથી આવું ન થાય તે માટે 2022 વિધાનસભાની ચૂંટણીમાં તમે શું સ્ટ્રેટેજી બનાવશો?
જવાબ :ગાંધીનગરની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે ત્રીજી પાર્ટીને વોટ આપીશું તો તેનાથી ભાજપજ જીતવાની છે. એટલા માટે આવનારા દિવસોમાં ગુજરાતની જનતાનો પ્રેમ કોંગ્રેસ તરફ જ રહેશે અને વધશે. ફકત પ્રેમ વધારવાથી કોંગ્રેસ નહી જીતે. અમારે ગ્રાઉન્ડ લેવલ પર, ગ્રામીણ લેવલ પર, બુથ લેવલ પર યોગ્ય રીતે કામ કરવું પડશે. અમે છેલ્લા 3-4 મહિનાથી કોવિડ ન્યાય યાત્રા, રોજગારીનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય આવા મુદ્દાને લઈને જનતા સુધી પહોંચડાવાનું કામ કરી રહ્યા છીએ. કોરોના મહામારીમાં કહેવાતું હતું કે 10 હજારનો લોકોના મૃત્યુ થયા. પણ અમે જનતા પાસે ગયાને જાણ્યું ત્યારે ખબર પડી કે 3 લાખ લોકોના મૃત્યું થયા છે. ન્યાય યાત્રા દ્વારા અમે 50 હજાર પરિવાર સુધી પહોંચ્યા છીએ. અને આગામી દિવસોમાં 2 લાખ પરિવાર સુઘી પહોંચીશું, અમે જનતા સાથે રહીશું તો ચોક્કસ તેમનો પ્રેમ અમને મળશે.
પ્રશ્ન - કોરોનાની વાત નીકળી છે, તો કોરોનાની બીજી લહેર વખતે રૂપાણી સરકારની કામગીરી સંતોષજનક ન હતી, તો ભાજપ હાઈકમાન્ડે સી.એમ સહિત આખું પ્રધાનમંડળ બદલી નાંખ્યું, આ મુદ્દા અંગે આપ શું કહેશો?
જવાબ :ભાજપે સી.એમ બદલ્યા છે, તે પછી ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે 2022માં સત્તા જ બદલી નાંખવી છે. જનતાનો મુડ સત્તાની વિરુદ્ધમાં છે. બસ હવે અમારે જનહિતના મુદ્દાને ઉઠાવવાના છે. જનતાની વાત સરકાર સુઘી પહોંચાડવી છે. એટલે મને લાગે છે જનતાનો નિર્ણય યોગ્ય છે કે સત્તા જ બદલી નાંખવી છે.