પેટ્રોલપંપ ડીલરો દ્વારા 'નો પરચેઝ'નું એલાન અમદાવાદ :ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની માંગો લઈને ઓઈલ કંપની સામે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સીએનજીનું વેચાણ બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવું પડ્યું હતું. તેમ છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે હવે ફરી એકવાર એક દિવસ માટે પેટ્રોલ ડીઝલ નહીં ખરીદવાનો નિર્ણય લેવામાં આવે છે.
નો પરચેઝનું એલાન :ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપ સંચાલકો અને ડીલર્સની અનેક માંગ સરકાર સામે મૂકવામાં આવી છે. પરંતુ તેમાંની એક પણ માંગ હજી સુધી સ્વીકારવામાં આવી નથી. જેને લઈને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બર 2023 ના રોજ પેટ્રોલ ડીઝલ નહીં ખરીદવા માટે નો પરચેઝનું એલાન જાહેર કર્યું છે. પરંતુ ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવશે.
પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ : પેટ્રોલ ડીઝલ એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેકવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ પ્રાપ્ત ન થતા ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવાનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ ગ્રાહકોની કોઈપણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તે માટે પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવશે. જેની જાણ પણ ઓઈલ કંપની તેમજ પુરવઠા વિભાગને કરવામાં આવી છે.
એસોસિએશનની માંગ : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે, છેલ્લા છ વર્ષથી ડીલરના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સીએનજી ડીલરનું માર્જિન 1 નવેમ્બર 2021 થી 31 માર્ચ 2023 એટલે કે 17 મહિના સુધી મળ્યું નથી. આ ઉપરાંત બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરીને ડીલરને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ માંગ ઓઇલ કંપનીને સામે અનેક વખત મૂકવા છતાં નિરાકરણ ન આવતા પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવા માટે નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.
- Gandhinagar News : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ઉર્જા અને પાણી પુરવઠા વિભાગે કરી મોટી જાહેરાત
- Gandhinagar Education News : હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે