અમદાવાદ : 14 જેટલા ગુજરાતી યુવાનો મોટરસાયકલ લઈને મનાલીથી ત્રિલોકનાથ સુધી ટ્રેક માટે સ્પિતિ-2023ની એક ટ્રીપ બનાવીને ટેલરમેઈડ ટ્રીપ પર પ્રવાસે નીકળ્યા હતા. જેઓ છેલ્લા 3 દિવસથી સંપર્કવિહોણા બન્યા છે, ત્યારે પરિવારના સભ્યો તરફથી રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રજૂઆત મળી હતી. આ યુવાનો તારીખ 8 બાદ સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યારે આજે મોડી સાંજે આ 14 યુવાનોની ભાળ મળતા હાલ તંત્ર સહિત યુવકોના પરિવારમાં હાશકારો થયો છે.
ક્યારે આ યુવાનનો સંપર્ક તૂટ્યો હતો : મોટરસાયકલ ભાડે લઈને મોટરસાયકલ પર જવાના હતા. તેમાંથી યશ નિતીનભાઈ વરીયા પાસે જે મોટરસાયકલ છે તેનો નંબર HP-66-9518 છે. આ મિત્રો મનાલી સુધી સલામત રીતે પહોંચ્યા પછી મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 તારીખે પહોંચ્યા હતા. 9 તારીખે ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નીકળ્યા હતા.
ગુજરાતના આ યુવાઓ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીના પ્રવાસ દરમિયાન મોટરસાયકલ દ્વારા આગળ જવા ટ્રેકિંગ માટે નીકળેલા હતા. તેમનો સંપર્ક પાછલા બે-ત્રણ દિવસથી કુલ્લુ મનાલીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને કારણે થઈ શક્તો ન હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે રાજ્યના રાહત કમિશનર તંત્રને સાબદુ કરીને આ યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા. જેથી હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્મા સાથે સંપર્ક કરીને 14 યુવાનોની સંપૂર્ણ વિગતો આપી તેમને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. ત્યારે આજે બુધવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્માએ જણાવ્યું હતું કે, કુલ્લુમાં વરસાદી સ્થિતિ-અંધારપટને કારણે આ યુવાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. રાહત-બચાવ તંત્રને આ યુવાનો સલામત હોવાની વિગતો મળી છે. - આલોક પાંડે (રાહત કમિશનર)