ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના સત્વ અને તત્વને ઉજાગર કરતી ફિલ્મ "રેવા"ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ - માં નર્મદા

ન્યૂઝ ડેસ્ક : દર વર્ષે એપ્રિલમાં નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. જો કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી એપ્રિલ મહિનામાં એવાર્ડની જાહેરાત કરવામાં આવી ન હતી. 9 ઓગસ્ટના રોજ દિલ્હીના શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્લોર પર આવેલા PIB કોન્ફરન્સ હોલમાં નેશનલ એવોર્ડ વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ગુજરાતની બે ફિલ્મોએ દેશભરમાં ડંકો વગાડ્યો છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ‘રેવા’ને મળ્યો છે. આ ઉપરાંત સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની પસંદગી કરવામાં આવી છે. બેસ્ટ હિન્દી ફિલ્મ તરીકે 'અંધાધુન'ને બાજી માળી છે.

ફાઇલ ફોટો

By

Published : Aug 9, 2019, 6:10 PM IST

Updated : Aug 9, 2019, 7:16 PM IST

જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા ‘તત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ "રેવા" બની છે. નવલકથામાં જેમ જ રેવામાં નર્મદા માતા અને તેના આસપાસનું લોકજીવન , પ્રકૃતિ,આદિવાસી પ્રજાની ખુમારી અને સંસ્કૃતિને ખુબ જ સરસ શૈલીમાં રજુ કરવામાં આવી છે.

'માં નર્મદા'ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારીત છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે. જેમાં અધ્યાત્મ છે, શ્રદ્ધા છે, મિલ્કત પચાવી પાડવાની વાત છે. બે મિત્રોની વાત છે, ફકીરની વાત છે, માં બાપ અને દાદા વચ્ચેના સંબંધની વાત છે, ક્યાંક નદી કાંઠા કે, જંગલ વિસ્તારમાં રહેતા લોકોની માન્યતાઓની પણ વાત છે.

ફાઇલ ફોટો

"રેવા" એ નવલકથાના મૂળ વિચારને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ડાયરેક્ટર બેલડી રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર, દયા શંકર પાંડે, યતીન કારયેકર એ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મનું સંગીત પણ કર્ણપ્રિય છે. લોક ગાયક કિર્તિદાન ગઢવીએ પણ રેવામાં પોતાનો સ્વર આપ્યો છે.

આ ફિલ્મ 6 એપ્રિલ 2018ના રોજ રિલિઝ થઈ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભજવાનાર "કરન" જે અમેરિકામાં જ મોટો થયો છે. તેના દાદાએ કરેલા વિલ મુજબ તેને નર્મદા કિનારે આવેલા આશ્રમની મુલાકાતે આવવા મજબૂર કરે છે. આ દરમિયાન તે સ્થાનિકોના સંપર્કમાં આવે છે અને નર્મદા આશ્રમવાસીઓના અંગત જીવન, ખાનપાન, રીતરીવાજો અને ધર્મ વિશેની માન્યતાઓ વગેરેને સમજવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયાસ દરમિયાન ઘણા ઉતાર ચડાવ આવે છે. તે પોતે કોણ છે? તેના માતા-પિતા કોણ છે? તેનું અસ્તિત્વ શું છે? તે શોધવા એ નીકળી પડે છે. નર્મદામૈયાની પરિક્રમા કરવા. ભારતીય અધ્યાત્મ પરંપરા અને સંસ્કૃતિઓના કેટલાક રહસ્યો અને પાયાના તત્વો પર આ ફિલ્મ પ્રકાશ પાડે છે.


ભારત એ આધ્યત્મ, ધર્મ અને શ્રદ્ધાઓથી ભરેલો દેશ છે. ભારતમાં વિવિધ ધર્મો છે, સાથે સાથે દેશમાં નદીઓની પણ માતા તરીકે પૂજા કરવામાં આવે છે. તમે નર્મદા જૂઓ કે, મહિસાગર કે પછી ગંગાને જ જોઈ લો. ભારતમાં દરરોજ સાંજે નદીઓની આરતી કરવામાં આવે છે. આદિ શંકરાચાર્યે 'માં નર્મદા'ને ટાંકીને આઠમી સદીમાં "નર્મદા અષ્ટક"ની રચના કરી હતી. સવારે નર્મદા તો ઢળતી સાંજે રેવા બની જતી, ખળખળ વહેતી નદીની આસપાસ એ સ્વર પડઘાતો જાય છે. ‘હું રેવા…’ ‘હું રેવા…સવારે એ દ્રશ્ય છે તો રાત્રે એ શ્રાવ્ય છે, સવારે એ નર્મદા છે તો ઢળતી સાંજે રેવા છે.

Last Updated : Aug 9, 2019, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details