ગુજરાત

gujarat

ETV Bharat / state

'એક ડાળનાં પંખી' સીરિયલમાં કલાબેનના નામથી જાણીતા બનેલા અભિનેત્રી ચારુબેન પટેલનું હાર્ટ એટેકથી 83 વર્ષે અવસાન - એક ડાળનાં પંખી

ગુજરાતી ફિલ્મ, ટીવી અને તખ્તાના જાજરમાન અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષે આણંદ જિલ્લાના કરમસદ ખાતે હાર્ટ એટેકથી અવસાન થયું છે. 83 વર્ષના આયખામાં ચારુબેન પટેલને ગુજરાતી દર્શકો ચારુબા તો કોઇ ચારુમા તરીકે ઓળખે છે. ચારુબેનની જીવન યાત્રા કેવી રહી એ જાણીએ...

અભિનેત્રી ચારુબેન પટેલનું હાર્ટ એટેકથી 83 વર્ષે અવસાન
અભિનેત્રી ચારુબેન પટેલનું હાર્ટ એટેકથી 83 વર્ષે અવસાન

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 8:06 PM IST

Updated : Nov 22, 2023, 8:24 PM IST

અમદાવાદ:ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ચારુબેન પટેલે પોતાની 84 વર્ષની જીવન યાત્રામાં અભિનય ક્ષેત્રે 60 વર્ષો પોતાની કળાના અજવાળા પાથર્યા છે. આખાબોલા પાત્રો ભજવતાં અને દિલથી કોમળ ચારુબેન પટેલની ખોટ ગુજરાતી કળાને હંમેશા રહેશે.

કળાક્ષેત્રે જીવન:1964થી કલાક્ષેત્રે પ્રવૃત થયેલા ચારુબેન પટેલ દર્શન થિયેટર સંસ્થાના સંચાલક પણ રહ્યા હતા. ચારુબેન પટેલે તખ્તા પર મળેલા જીવ, કેસર ચંદન, જમાઈ, પારકે પૈસે પરમાનંદ, તુલસી ઈસ સંસાર મે, ધૂપસળી જેવા અનેક લોકપ્રિય નાટકોમાં પોતાના દમદાર અભિનય થકી તખ્તો ગજાવ્યો હતો. પોતાની 60 વર્ષની અભિનય યાત્રામાં ચારુબેન પટેલે ઉપેન્દ્ર ત્રિવેદી, પી. ખરસાણી, પ્રાણસુખ નાયક, હરકાંત શાહ, ગિરિશ દેસાઈ, વિષ્ણુકુમાર વ્યાસ, પ્રફુલ ભાવસાર અને કમલ ત્રિવેદી સાથે કાર્ય કર્યું હતુ. ચારુબેન પટેલે પોતાની નાટ્ય સંસ્થા દર્શન થિયેટરના નેજા હેઠળ બાઈ બાઈ ચારણી, સ્નેહધામ, સુતા સુતા, અપરાધી, પરણેતર અને ચોરીના ફેરા ચાર સહિત અનેક નાટકો આપ્યા છે. પોતાની સંસ્થાના માધ્યમથી ચારુબેન પટેલે અનેક કલાકારોને પ્રથમ તક આપી હતી, જે આજે ગુજરાતના મોખરાના કલાકારો છે.

એક ડાળના પંખીએ અપાવી લોકપ્રિયતા:દૂરદર્શન પરથી પ્રસારિત શ્રેણી એક ડાળના પંખી શ્રેણીમાં કલા સાંગાણીના પાત્રએ ચારુબેન પટેલેને ખૂબ લોકપ્રિયતા અપાવી હતી. આ સાથે ચારુબેન પટેલે બે હિંદી ફિલ્મ મિર્ચ મસાલા અને રીહાઇમાં કામ કર્યું છે. ચારુબેન પટેલને તેમના કળા ક્ષેત્રમાં યોગદાન માટે ગુજરાત ગૌરવ પુસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મૂળ આફ્રિકામાં જન્મેલા ચારુબેન પટેલે પોતાની અભિનય કળાથી ગ્લોબલ ગુજરાતીઓને કડવા સંવાદના પાત્રોથી જીવનશીખ આપી છે.

ચારુબેન પટેલ એટલે ગુજરાતી નાટકો, સિરીયલો અને ફિલ્મોના સફળ અને લોકપ્રિય ચરિત્ર અભિનેત્રી. તેઓ તેમના ભાઈના ત્યાં રહેતા હતા. ઉંમરના કારણે કરમસદ ખાતે તેમનું હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. હું જ્યારે 1970માં અમદાવાદમાં આવ્યો અને નાટકોમાં કામ કરવાનો મને મોહ હતો. ત્યારે અમદાવાદમાં ચાલતા નાટકો અને નિર્માતાઓમાં ચારુબેન પટેલ મુખ્ય હતા. તેમના સામાજિક નાટકો ખૂબ સફળ હતા. - જીતેન્દ્ર ઠક્કર, નિર્માતા, અભિનેતા

અનેક કલાકારોને આર્થિક મદદ કરી: જીતેન્દ્ર ઠક્કરે વધુમાં જણાવ્યું કે તેમની સાથે નાટકોમાં કામ કરવાનો તો મોકો મળ્યો નહીં, પરંતુ ઇસરોની અને દૂરદર્શનની ઘણી બધી સિરીયલોમાં સાથે કામ કર્યું. છેલ્લે દૂરદર્શનની સફળ સિરીયલ "એક ડાળના પંખી" અને "મામાનું ઘર કેટલે" માં વર્ષો સુધી અમે લોકોએ સાથે કામ કર્યું હતુ. ચારુબેને અનેક કલાકારોને આર્થિક મદદ પણ કરી હતી. ચારુબેનને પોતાના ઘેર કોઈ આવે, જમે અને એમના ઘેર રહે, એ એમને ખૂબ ગમતું. કોઈ એમને ચારુબેન કહે, કોઈ મા કહે, કોઈ ચારુબા કહે. આમ કલા જગતના ખૂબ વહાલા, એવા ચારુબેન હવે રહ્યા નથી તેનું ખૂબ દુઃખ છે.

1990ના દાયકામાં ઘરેઘરે જાણીતા બન્યા: ચારુબેન પટેલ ગુજરાતમાં પ્રખ્યાત ટીવી સિરિયલ હુતો, હુતીથી જાણીતા બન્યા હતા. ચારુબેન પટેલના ગરમ સ્વભાવવાળા સાસુના પાત્રએ તેમની આગવી ઓળખ ઉભી કરી હતી. ચારુબેન પટેલે અનેક ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મોમાં નોંધપાત્ર કાર્ય કર્યું હતું. જેમાં વાતનું વતેસર, તણખા, માણસાઈ, અંગાર, ઇન્સ્પેક્ટર વિક્રમ, સબરસ, પાલવ, મને બચાવો, અખંડ સૌભાગ્યવતીનો સમાવેશ થાય છે.

સામાજિક જાગૃતિ માટે ટીવી કાર્યક્રમો કર્યા: 1975થી ચારુબેન પટેલ ઈસરોના શૈક્ષણિક કાર્યક્રમો સાથે જોડાયા હતા. જેમાં અમે અને અમારી ભૂરી જેવા પશુપાલકો માટેના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ અને સામાજિક નિસ્બત માટે ન્યાય અન્યાય શ્રેણી, ગ્રામીણ વિકાસ માટે ગામડું જાગે છે. હું અને મારા એ, હું મકન અને માલજી જેવાં સામાજિક જાગૃતિ માટેના ટીવી શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ચારુબેન પટેલે પોતાના દમદાર અભિનયનો પરિચય કરાવ્યો છે.

  1. શું આ મહિલાના આંસુની કિંમત ચૂકવી શકશે સરકાર ? બે બાળકોની સિંગલ મધરે સરકારને પૂછ્યો સવાલ- મારો શું વાંક ?
  2. ખુલ્લા મેદાનમાં આવેલા મંદિરે 70 વર્ષથી તુલસી વિવાહનું આયોજન, જૂઓ આ વર્ષે કેવી તૈયારીઓ જોવા મળી
Last Updated : Nov 22, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details