અમદાવાદઃ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૂર્ય દેવનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. વરસાદી માહોલમાંથી એકાએક ઉનાળો શરૂ થયો હોય એવું ચિત્ર મહાનગરથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી જોવા મળ્યુ હતું. રવિવારે પડેલા વરસાદની અસર 24 કલાકમાં ઓસરી ગઈ હતી. ફરીથી સૂર્યદેવે પોતાનો અસલી મિજાજ દેખાડતા ગરમીનો અહેસાસ થયો છે. હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર મંગળવારથી આગામી દિવસોમાં 40 કિમીની ગતિએ ભારે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વાવાઝોડાની કોઈ આગાહી નથી.
પાંચ દિવસ ગરમાવોઃમંગળવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં એક પ્રકારનો ગરમાવો અનુભવાશે. ફરી પશ્ચિમના પવનો ગરમી વધારશે. સામાન્ય ઘટાડા સાથે સોમવારનો દિવસ શરૂ થતા જ ગરમી પડી હતી. રસ્તાઓ ફરીથી તપવા લાગ્યા હતા. સવારના સમયે ભેજના પ્રમાણમાં વધારો થતા આંશિક ઠંડકનો અહેસા થયો હતો. જોકે, ભારે વરસાદની અસર 24 કલાકમાં જ ખતમ થઈ જતા ફરી બફારા અને ગરમીના દિવસો શરૂ થયા હતા. જે હવે આવનારા પાંચ દિવસ સુધી યથાવત રહેવાના છે.
પવન વધશેઃહવામાન ખાતાની આગાહી અનુસાર મંગળવારથી પવનનું જોર વધશે. જોકે, તાપ રહેવાના કારણે બોપરના સમયે ફરીથી લૂ નો અહેસાસ થઈ શકે છે. બપોરના 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી પવનને કારણે લૂ નો અહેસાસ થશે. પાંચ દિવસ સુધી તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, પાટણ, ખેડા, આણંદ વડોદરા સુધી લૂની અસર વર્તાશે. જોકે, આગામી ત્રણ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ નથી. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં લૉ પ્રેશર જોવા મળ્યું છે. જે મંગળવાર સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે.
દરિયાકાંઠે વરસાદની સંભાવનાઃડિપ્રેશનને કારણે સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, એના કારણે ગરમીને કોઈ ફેર પડવાનો નથી. જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં ચોમાસા લક્ષી પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થશે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ મુંબઈ તરફ આગળ વધ્યા બાદ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. જોકે, આ વખતે આઠમી જૂનથી ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે. જેની અસર છેક રાજસ્થાન સુધી થઈ શકે છે. જ્યારે બીજા તબક્કામાં દિલ્હીમાં વરસાદ પડશે. એ પછી ઉત્તર ભારતના મેદાની શહેરમાં ભારે વરસાદ થશે.
- Gujarat Weather Updates:અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વરસાદ શરૂ
- Gujarat Weather: ગુજરાતમાં આગામી બે દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ