અમદાવાદઃમેઘરાજાએ સતત બે દિવસ સુધી જુદા જદા જિલ્લાઓમાં વરસાદ વરસાવ્યો હતો. સતત વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, સોમવારે સૌરાષ્ટ્રના કાંઠાળા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે પ્રકારનો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઊભું થતા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. જેમાં સતત વરસાદથી સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટ સહિત દ્વારકા, ભાવનગર, જામનગર, જૂનાગઢથી લઈને છેક સુરેન્દ્રનગર સુધીના પંથકમાં વરસાદ થયો હતો.
છેલ્લો રાઉન્ડઃચોમાસુ સીઝનના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ માનવામાં આવે છે. ગુરૂવાર પછી વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થશે. એ પછી ઠંડક યથાવત રહેશે. હવામાન વિભાગે રવિવારથી ત્રણ દિવસ સુધી માછીમારોને કોઈ પણ પ્રકારે દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. સોમવારથી બે દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 29 સુધી વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરી છે. તારીખ 26 મીએ ડીપ ડીપ્રેશન ઊભું થઈ શકે છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો સોમવાર અને મંગળવારે વરસાદ પડે એવી સંભાવના છે. જ્યારે રાજકોટ, સુરત અને વડોદરામાં હળવા વરસાદની આગાહી છે.