અમદાવાદ:હવામાન વિભાગે કરેલી આગાહી હજુ યથાવત છે. આગાહીના પગલે રાજ્યના લગભગ 85 થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ બોટાદ, ગોંડલ, ચીખલીમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાની સવારી પહોંચે તેવી સંભાવના છે.
વરસાદ 100 ટકાની વધુ:ચોમાસાના અંતિમ તબક્કામાં સરેરાશ આંકડો 100% પાર કરી ગયો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે રાજ્યના તમામ ડેમો ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જોકે હવે ચોમાસુ પૂર્ણતાના આરે છે. ત્યારે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાથી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે કે પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે.