અમદાવાદ:ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી સાથે શિયાળાની અસર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 18 થી 19 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ હવે કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાથી આવનારા સમયમાં શિયાળાની ઋતુ ધીરે ધીરે આગળ વધશે અને ઠંડીમાં વધારો જોવા મળશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યમાં હાલ સવારે, સાંજે અને રાત્રે ઠંડક જોવા મળશે, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થશે. અન્ય રાજ્યોમાં શિયાળાની ઠંડીની શરૂઆત નવેમ્બર માસથી જ થઈ જતી હોય છે પરંતુ ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો ચમકારો જોવા મળશે.
સાથે તેમણે જણાવ્યું કે, બે ત્રણ દિવસમાં લધુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીની આસપાસ તાપમાન ઘટવાની આગાહી છે. આ સાથે તેમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે જણાવતા કહ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજી ગુજરાતથી ઘણું દૂર છે. તેની ગુજરાત પર અસર વધારે થવાની સંભાવના નથી. હવે ગરમી પણ ધીરે ધીરે ઘટી રહી છે અને ઠંડી પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. ઠંડી વધવાની શરૂઆત નવેમ્બર અંતમાં જોવા મળશે. નવેમ્બર અંતમાં નોર્મલ ઠંડી વર્તાઈ શકે છે.
હવામાન વિભાગે દિવસ દરમિયાન 35થી 37 ડિગ્રી જેટલું તાપમાન અને રાત્રિ દરમ્યાન 20થી 21 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ 18 ડિગ્રી તાપમાન પણ નોંધાઇ રહ્યું છે. જોકે 1 ડિગ્રી તાપમાન વધી શકે અથવા ઘટી શકે છે. ત્યારે હવે શિયાળાની કડકડતી ઠંડી પોતાની જમાવટ કરવા નજીક આવી રહી છે અને ગુજરાતમાં શિયાળા દરમિયાન લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
- Gujarat Weather : હવામાન વિભાગની આગાહી, વાતાવરણમાં ફેરફારને લઇ સપ્તાહનો વર્તારો શું છે જાણો
- Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ, 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત