તાપમાન યથાવત રહેવાની સંભાવના અમદાવાદ : ગુજરાતના દરિયા કિનારે તેજ વાવાઝોડાનું સંભવિત સંકટ ટળ્યું છે. અરેબિયન સાગરમાં સર્જાયેલ ડિપ્રેશન હવે સાયકલોનમાં પરિણમતાં ગુજરાત માથે ખતરો તોળાઇ રહ્યો હતો પરંતુ હવે ગુજરાત પરથી આ સંકટ હવે દૂર થઈ ગયું છે. હવામાન વિભાગે આ બાબતે માહિતી આપી છે.
ડીપ ડિપ્રેશન હતું :હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ અરેબિયન સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાયું હતું જે હવે સાયકલોનમાં પરિવર્તિત થઈ ગયું છે અને ગુજરાત નજીકથી પસાર થવાનું છે ત્યારે આ સાયકલોનને તેજ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત નજીકથી પસાર થનારા તેજ વાવાઝોડાની આગાહીના પગલે પોરબંદર ,વેરાવળ સહિત ગુજરાતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું હતું. જે ઉતારીને હવે બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
5 દિવસ સુધી તાપમાન યથાવત : જોકે તેજ સાયકલોનને પગલે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મત અનુસાર રાજ્યમાં હાલ 5 દિવસ સુધી વરસાદની કોઈ શકયતા નથી અને રાજ્યમાં 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. હાલ ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્ચે અમદાવાદમાં દિવસ દરમ્યાન ગરમીનો પારો 35 ડિગ્રી સુધી રહેશે.
લોકોને હાશકારો થયો ઉલ્લેખનીય છે કે અગાઉ બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યા હતાં. ત્યારે હવે ફરીથી તેજ સાયક્લોનને કારણે લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. પરંતુ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને આગાહી કરતા લોકોને હાશકારો થયો છે.
હવામાન વિભાગની સૂચના : હાલ તેજ સાયકલોન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને તેજ સાયકલોન અરેબિયન સમુદ્ર માં દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થિત છે. ગુજરાતમાં તેજ સાયકલોનની હાલ કોઈ અસર નહીં જોવા મળે. સાયકલોન 25 ઓક્ટોબરે યમન અને ઓમાન કોસ્ટ ક્રોસ કરશે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના ફિશરમેન માટે હાલ કોઈ વોર્નિંગ આપી નથી. પરંતુ દક્ષિણ પશ્ચિમ અરેબિયન સમુન્દ્રમાં પવન હોવાથી ત્યાં કોઈ માછીમારે ન જવા સૂચન કરવામાં આવ્યું છે.તેજ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખી હાલ દક્ષિણ પશ્ચિમ અરેબિયન સીમાં 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે, જ્યારે આ સમય દરમિયાન મોટી શિપ અને મરીનને અંદર ન જવા હવામાન વિભાગે સૂચન કર્યું છે.
- Gujarat Weather Update: અરબી સમુદ્રમાં વાવાઝોડું 'તેજ' સક્રિય થયું, ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ
- Cyclonic Storm 'TEJ' : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે - IMD