અમદાવાદ : દેશ અને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીની આત્મહત્યા કરવાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ સૌથી વધુ બેરોજગારી, મોંઘવારી, તણાવના કારણે આત્મહત્યા કરી રહ્યા છે.
આત્મહત્યાના કેસ સામે આવ્યા :કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. જે ચિંતાનો વિષય ગણાવી શકાય છે. દેશની નામાંકિત ઇન્સ્ટિટયૂટ IIT, IIM, NITS, AIIMS સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં વર્ષ 2018થી અત્યાર સુધી 103 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં 2020, 2021 અને 2023માં પણ આ પ્રીમિયમ ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે.
આત્મહત્યાના અલગ અલગ કારણો : વધુમાં જણાવ્યું હતું કે, દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા છેલ્લા 5 વર્ષમાં 32 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2021માં લિસ્ટમાં રોજ 35 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. એટલે કહી શકાય કે દર એક કલાકે એકથી બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દેશમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવનાર સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 26 ટકા જેટલો વધારો થયો છે. જેમાં 30 ટકાથી વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. સૌથી વધુ આત્મહત્યાનું કારણ અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બીમારી એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની બેરોજગારની તકો જવાબદાર છે.