અમદાવાદ ડેસ્ક:ગુજરાતે અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના અન્ય રાજ્યોને હરહંમેશ પ્રેરણા આપી છે. તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ ૨૦૦૨થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જે અનુક્રમને ગુજરાતે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ મુજબ વર્ષ 2022 દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
ઉમેદવારોને રોજગારી:બળવંતસિંહ રાજપૂતે વધુ માહિતી આપતા જણાવ્યું કે," રાજ્યના યુવાધનને યોગ્ય રોજગારી મળી મળી રહે તે માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે જ આજે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સતત અવ્વલ રહ્યું છે. વર્ષ 2018 -19 થી 2022-23 દરમિયાન ૫ વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ સમયગાળામાં 7 હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે 8 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.
દેશની 43 ટકા રોજગારી ગુજરાતે પૂરી પાડી: એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023 માં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨માં દેશભરના રાજ્યો દ્વારા કુલ 6,44,600 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેના 43 ટકા એટલે કે 2,74,800 જેટલા યુવાનોને ગુજરાતે રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી 13,67,600 જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં આવી છે, જેની સામે ગુજરાત 3,59,900 ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે છે.