10 હજાર વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણથી વંચિત અમદાવાદ: રાજ્યની અંદર શિક્ષણ દિવસે કથળી રહ્યું છે. ઘણા બધા બાળકો એવા જોવા મળ્યા છે જે પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરી શકતા નથી. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લાની અંદર ધોરણ આઠમાંથી પાસ થયા બાદ બાળકો અભ્યાસ છોડી દે છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ધો. 9માં અભ્યાસાર્થે પ્રવેશ મેળવતા નથી.
કૉંગ્રેસના આક્ષેપોઃ કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવે છે કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ કથળી ગઈ છે. અમદાવાદ જિલ્લામાં 10000થી વધુ વિદ્યાર્થીઓએ ધો.8માંથી ધો.9માં પ્રવેશ લીધો નથી. DEOએ શાળાને આદેશ કર્યો કે વિદ્યાર્થીઓને શોધીને, ઘરે જઈને તેમનું રજિસ્ટ્રેશન કરી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે.
ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા કાવાદાવાઃ સામાન્ય સંજોગોમાં વાલીઓ વિદ્યાર્થી સાથે શાળામાં એડમિશન લેવા આવે છે. એડમિશન ફોર્મ ભરે છે.બધી ફોર્માલિટીની પૂર્ણ કરી એડમિશન લે છે. ત્યારબાદ જ CRCને ઓનલાઈન એન્ટ્રી માટે વિદ્યાર્થીની વિગત મોકલવામાં આવે છે. જ્યારે અહીં DEO, શિક્ષણ વિભાગના સ્ટાફ અને CRCએ વાલીઓ-વિદ્યાર્થીઓ અને શાળાઓને જણાવ્યા વગર તે વિદ્યાર્થીઓને ઓનલાઈન એન્ટ્રી કરી દીધી છે.
આચાર્ય પર દબાણનો આક્ષેપઃ આજ સવારથી જ ખાનગી શાળાઓમાં શાળા દીઠ 25 જેટલા વિદ્યાર્થીઓના એલસી લઈને શિક્ષણ વિભાગના કર્મચારી આવે છે અને કહે છે કે આ વિદ્યાર્થીઓને તમારે ભણાવવાના છે એમની ઓનલાઈન એન્ટ્રી કરી દેવાઈ છે. આચાર્ય જ્યારે પૂછે કે વિદ્યાર્થીઓ કોણ છે? અમે આ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓળખતા નથી, અમારે ત્યાં એક પણ વખત આવ્યા નથી. ત્યારે ઉડાઉ જવાબ મળે છે કે તમે બધી ચિંતા ના કરો બાળક તમારે ત્યાં આવે કે ન આવે આટલા વિદ્યાર્થીઓ તમારી શાળામાં દાખલ કરવાના છે. એમ કહીને ઓનલાઇન એન્ટ્રી કરીને શાળા સંચાલકોને LCનો થપ્પો પકડાવી દેવામાં આવે છે
માત્ર અમદાવાદ જિલ્લામાં 10 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો નથી તો સમગ્ર રાજ્યમાં આ આંકડો 1 લાખથી વધુનો હશે...હેમાંગ રાવલ(પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ)
શિક્ષણ વિભાગ માત્ર જાહેરાતોમાં વ્યસ્તઃ ગુજરાત શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે જાહેરાતોની જેમ પરિપત્રો કરે છે. ભૂતકાળમાં પણ શિક્ષકોને લગ્ન પ્રસંગે જમણવારની માહિતી,શિક્ષકોએ પોતાના મોબાઈલ આચાર્યને જમા કરાવે, બાળકોમાં વજન સંદર્ભનો પરિપત્ર જોયા વિચાર્યા વિના કરવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબર આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આજે અમદાવાદના ધોરણ 8માં જ 10 હજાર જેટલાં વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ થતા શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકારની મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખૂલ્લી પડી છે.
- Dahod Primary Union Demand : દાહોદ જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા મુખ્ય ૩ માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર
- ગુજરાતનો વિકાસ અભેરાઈ ચડ્યો :'શાળા છે, ઓરડા છે, ભણવા માટે વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ ભણાવવા શિક્ષકો નથી'