અમદાવાદ:ગુજરાત 2002ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદના નરોડા ગામે હત્યાકાંડ થયો હતો. જેમાં આજે સ્પેશિયલ કોર્ટ 13 વર્ષની સુનાવણી બાદ બપોર પછી ચૂકાદો આપી શકે છે. આ કેસમાં કુલ 68 આરોપીઓ સામે સંભવિત ચૂકાદો આવી શકે છે.
નરોડા ગામ રમખાણો : 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં 58 મુસાફરોના મોત થયા થયા હતા. એક દિવસ બાદ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેના બીજા દિવસે બંધ દરમિયાન નરોડા ગામમાં પથ્થરમારો, આગચંપી, તોડફોડ અને હિંસા શરૂ થઈ ગઈ. આ હિંસામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા.
13 વર્ષથી સુનાવણી: આ પછી વર્ષ 2009માં આ કેસની કોર્ટ કાર્યવાહી શરૂ થઈ. આ કેસમાં 327 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. 2012 માં, માયા કોડનાની અને બાબુ બજરંગીને SIT કેસમાં વિશેષ અદાલત દ્વારા હત્યા અને ષડયંત્ર માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના પર કોર્ટે 2017માં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ચાર્જશીટ મૂકાઈ હતીઃ આ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તારીખ 26 ઓગસ્ટ 2008ના રોજ તપાસ સોંપવામાં આવી હતી એસઆઇટી એ તપાસ કરીને વીએચપીના અગ્રણી જયદીપ પટેલ, માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિત આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ કરીને જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કોણ છે આરોપી:બંધનું એલાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવ્યું હતું. જેથી તેની સાથે સંકળાયેલ લોકોને પકડવામાં આવ્યા અને આરોપી બનાવવામાં આવ્યા. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી અને ભૂતપૂર્વ રાજ્ય VHP પ્રમુખ જયદીપ પટેલ સહિત 86 આરોપીઓમાં સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં ટ્રાયલના 86 આરોપીઓમાંથી 18ના મોત થઈ ચુક્યા છે. જ્યારે એક આરોપીને સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
માયા કોડનાની પર આરોપ:માયા કોડનાની ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. નરોડા ગામ રમખાણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. માયા કોડનાની પર આ હિંસાને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમના પર રમખાણ, હત્યા અને હત્યાના પ્રયાસ ઉપરાંત ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ( કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાનીની તરફેણમાં બચાવ સાક્ષી તરીકે હાજર થયા હતા.
બાબુ બજરંગી પર આરોપ:2002માં અમદાવાદના નરોડા ગામમાંમાં થયેલી હિંસામાં સ્પેશિયલ કોર્ટે ભાજપા વિનાયક માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને આરોપી ઠરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2019માં બજરંગ દળના નેતા બાબુ બજરંગીને તબીબી આધાર પર શરતી જામીન આપ્યા હતા, જે 2002ના નરોડા હત્યાકાંડ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો માન્ય રાખવામાં આવ્યો હતો.
આટલા સાક્ષીઃઆ કેસના સાક્ષીઓની વાત કરવામાં આવે તો આ કેસમાં કુલ 258 સાક્ષીઓ છે. જેમાં એક સમય 187 જેટલા સાક્ષીઓની તપાસ કોર્ટે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. આ કેસમાં સરકાર ફરિયાદ પક્ષ, બચાવ પક્ષ, દ્વારા 10000થી વધુ પાનાની લેખિત દલીલો અને 100 જેટલા ચૂકાદા ટાંકવામાં આવ્યા હતા. પોલીસ અને SIT દ્વારા કુલ 86 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાંથી એક આરોપીને કોર્ટે ડિસ્ચાર્જ કર્યો હતો. જ્યારે 17 આરોપીઓ ચાલું ટ્રાયલ દરમિયાન મૃત્યું પામ્યા હતા. મૃત્યુ પામેલા આરોપીઓ સામે કેસ પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં 68 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. આજરોજ કુલ 68 આરોપીઓ સામે ચુકાદો આવી શકે છે.
ભાજપ સરકાર પર આરોપ: નરોડા ગામ અને નરોડા પાટિયામાં થયેલી આ હિંસા બાદ ગુજરાતમાં તોફાનો ફેલાઈ ગયા હતા. આ મામલાની તપાસ માટે SIT ટીમની રચના કરવામાં આવી હતી. રાજ્યની ભાજપ સરકાર પર તોફાનીઓને સમર્થન કરવાનો આરોપ હતો. આ મામલે ભાજપના નેતાઓના નામ પણ સામે આવ્યા છે. SIT દ્વારા માયા કોડનાનીને આ ઘટનામાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. ગુજરાતના રમખાણોની શરૂઆત નરોડા ગામથી જ થઈ હતી. આ દરમિયાન 27 શહેરો અને નગરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
તમામ દલીલ પૂરીઃઆ કેસમાં કુલ છેલ્લા છ વર્ષથી ત્રણ જજ સમક્ષ દલીલો ચાલતી હતી .જેમાં ટી.બી. દેસાઈની કોર્ટમાં અંતીમ દલીલ ચાલી હતી. વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા એમ. કે .દવેની સમક્ષ નવેસરથી દલીલ ચાલું કરવામાં આવી હતી. જેમની પણ બદલી થતાં ત્યારબાદ પ્રિન્સિપાલ અને સીટના સ્પેશિયલ જજ સુભદ્રા બક્ષી સમક્ષ દલીલ કરવામાં આવી હતી જે દલીલ પાંચમી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી.
SIT જજ ચૂકાદો આપશેઃ68 આરોપીઓ સામેનો ચૂકાદો SITના સ્પેશ્યલ જજ શુભદા બક્ષી જાહેર કરશે. આ કેસને ધ્યાને રાખીને વહેલી સવારથી સમગ્ર કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે જુદી જુદી ટુકડીઓને કોર્ટના પરિસરમાં ગોઠેવી દેવામાં આવી છે. SITના હાલના વડા મલ્હોત્રા સહિતના અધિકારીઓ કોર્ટના ચૂકાદાના દિવસે ખાસ હાજરી આપશે. અંતિમ કેસની સુનાવણી વખતે SITના સ્પેશ્યલ જજ શુભદા બક્ષીએ નરોડા ગામમાં બે કલાક મુલાકાત લીધી હતી.
બે જજની ખાસ મુલાકાતઃSITના સ્પેશ્યલ જજ શુભદા બક્ષીએ નરોડા ગામની મુલાકાત કરીને અધિકારીઓ, ફરિયાદી, પીડિતો તથા SITના વકીલ સાથે ખાસ મુલાકાત યોજી હતી. બે કલાક સુધી તેઓ સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા. આ પહેલા તત્કાલિન સ્પેશ્યલ કોર્ટના જજ પી.બી.દેસાઈ પણ ઘટના સ્થળે નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે પણ ભોગ બનનારા, વકીલ, તથા અધિકારીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. જજની મુલાકાતને ધ્યાને લેતા આ કેસની ગંભીરતાને સમજી શકાય છે.
નરોડા ગામ જેવો નરોડા પાટિયા કાંડ: ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવાના એક દિવસ બાદ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે જ સમયે આવી જ એક ઘટના નરોડા પાટિયામાં બની હતી અને ત્યાં 97 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં ઉગ્ર ટોળાએ લઘુમતી સમાજના લોકો પર હુમલો કર્યો હતો. જેમાં 33 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
શું હતો ગુજરાત રમખાણ 2002 કેસ: 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લગાવી દીધી હતી. જેમાં 59 લોકો માર્યા ગયા હતા. ગોધરા કાંડ પછી સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 1044 લોકો માર્યા ગયા, જેમાં 790 મુસ્લિમ અને 254 હિન્દુ સામેલ હતા.