ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018-19માં 77,574 એપ્રેન્ટીસ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતું. 15 ઓક્ટોબરની સ્થિતિએ દેશમાં એપ્રેન્ટીસની સંખ્યા 1.69 લાખ છે. જેમાંથી ગુજરાત 23 ટકા ભાદ સાથે 38,886 એપ્રેન્ટીસ ધરાવે છે. એપ્રેન્ટીસશીપ પોર્ટલ ઉપર નોંધણી કરાવનાર રાજ્ય તરીકે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. આ પોર્ટલ ઉપર થયેલી કુલ 66,666 એકમોની નોંધણી માટે ગુજરાતના 17,702 એકમોની નોંધણી કરવામાં આવી છે.
મિત્રાએ સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનીસ્ટ્રેશન ખાતે એપ્રેન્ટીસશીપ પખવાડિયાના સમાપન સમારંભમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ વર્ષ 2019-20માં 1 લાખ એપ્રેન્ટીસને રોજગારી આપવાનો છે.
સર્વિસ સેક્ટર, બેંકિંગ, ફાયનાન્સિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (બીએફએસઆઈ), હેલ્થ કેર, લાઈફ સાયન્સ, લોજીસ્ટીક્સ, રિટેઈલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી તેમજ અન્ય ક્ષેત્રના આશરે 150 જેટલા પ્રતિનિધિઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. મિત્રાએ વધુ સંખ્યામાં એપ્રેન્ટીસ રોકવા માટે સર્વિસ સેક્ટરને ટકોર કરી હતી. હાલમાં માત્ર ઉત્પાદન ક્ષેત્રમાં જ એપ્રેન્ટીસને રોકવામાં આવે છે. આમ છતાં સર્વિસ સેક્ટરમાં ઘણી મોટી ક્ષમતા હોવાથી આ સમારંભનું આયોજન સર્વિસ સેક્ટર વધુ સંખ્યામાં એપ્રેન્ટીસની ભરતી કરે તે હેતુથી યોજવામાં આવ્યું હતું. વિભાગ દ્વારા સર્વિસ સેક્ટરના લોકોને આમંત્રિત કરીને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.