અમદાવાદ : ગુજરાતમાં 24 કલાકમાં 194 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શનિવારે જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી :તો રાજ્યના 246 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. નવસારી શહેરમાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકોને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતાં. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. સતત બે દિવસથી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં 100 ટકા વરસાદ : તો લોકોને જાનમાલનું પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ચોમાસુ શરૂ થયાને હજુ તો એક મહિનો માંડ થયો છે ત્યારે એક મહિનામાં જ સીઝનનો 83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમા કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદને કારણે 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
વરસાદમાં બ્રેક લાગવાની આગાહી :વળી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 60 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ઝોનમાં મધ્યમ વરસાદ રહેતા 53 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હવે ચોમાસુ વિરામ લઇ રહ્યું હોય તેમ ગુજરાતમાં વરસાદમાં બ્રેક લાગવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ધીમો કે મધ્યમ વરસાદ :હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં વરસાદની સંભાવનાઓ નથી, જોકે ગુજરાતને અમુક વિસ્તારોમાં ધીમો કે મધ્યમ વરસાદ રહી શકે છે..તો ભારે વરસાદ થાય એવા કોઈ સંજોગો હાલમાં જોવા મળી રહ્યા નથી. જોકે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ વરસાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
યલો એલર્ટ : હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક દિવસથી વરસાદનું જે જોર હતું તેમાં ખાસ્સો ઘટાડો થયો છે, પરંતુ સાંજના સમયે અને બપોરે વરસાદી જોર વધવાની શકયતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ આપ્યું છે. જોકે, રાજ્યમાં અન્ય વિસ્તારોમા અતિભારે વરસાદની સંભાવના નથી.
- Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ 69.97 ટકા વરસાદ નોંધાયો
- Jamnagar News : જામનગર જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો, મેઘમહેરથી એવું પાણી આવી ગયું કે લોકો રાજીરાજી
- Delhi flood: યમુનાનું જળસ્તર જોખમ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું