અમદાવાદ: કોરોના સંક્રમણથી બચવા માટે વાપરવામાં આવતાં માસ્ક હવે લાંબા સમય સુધી જરૂરી બની રહેશે. ત્યારે આ માટે જ ખાસ ગ્રાહકો માટે ફેશનેબલ માસ્કની નિર્મિત કરવામાં આવી રહી છે. નામાંકિત ફેશન બ્રાન્ડથી લઈને બચત જૂથની મહિલા ઉત્પાદકો સુધી બધાંએ ડિઝાઇનર રંગબેરંગી માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. કોરોનાનો ફેલાવો રોકવા રાજ્ય સરકારે સાર્વજનિક ઠેકાણે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે અને તેના પગલે ફેશનેબલ માસ્કની માગ વધી રહી છે. જુદી-જુદી જાતના કાપડમાંથી બનતી અન્ય વસ્તુઓને બદલે અત્યારે ફેશનને અનુરૂપ હોય તેવા કાપડમાંથી બનાવવામાં આવે છે.
ગુજરાતના આ પ્રિન્ટના માસ્કની ડિમાન્ડ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ, યુએસએ અને યુરોપમાં વધી - હેન્ડીક્રાફ્ટ માસ્ક
ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન અને હવે અનલોકમાં કોરોના સામે લડવાનું પ્રથમ હથિયાર છે માસ્ક... આ માસ્ક હવે ઇનોવેટિવ બની રહ્યું છે. ખાસ કરીને આ માસ્કની ડિમાન્ડ ગુજરાતમાં જ નહીં પરંતુ બહારના દેશોમાં પણ વધવા લાગી છે. બહારના દેશોમાં લોકો બ્લોક પ્રિન્ટથી બનેલા માસ્ક વધારે વાપરી રહ્યાં છે. જેમાં અજરખ, જયપુરી જેવી પ્રિન્ટનો સમાવેશ થાય છે.

અમદાવાદના યોગીતા પટેલ જણાવે છે કે, તેમની ટીમ દ્વારા ખાસ હેન્ડીક્રાફ્ટ માસ્ક બનાવવામાં આવ્યાં છે. જેમાં બ્લોક પ્રિન્ટનો સમાવેશ થાય છે. તેમાં અજરખ, જયપુરી જેવા અલગ-અલગ બ્લોક પ્રિન્ટનો સમાવેશ થાય છે અને આ બધાં જ માસ્ક 2 લેયરના છે અને રિવરસેબલ છે. એટલે કે બન્ને સાઇડ પહેરી શકાય છે. જો કે હાલ માર્કેટમાં જે માસ્ક મળી રહ્યાં છે, તેમાં લોકોની એવી ફરિયાદ હતી કે, માસ્કથી પરસેવો વધારે થાય છે અને ગભરામણ જેવું પણ લાગે છે. પરંતુ આ જે મટિરિયલના માસ્ક છે તે લોકો માટે એકદમ કમ્ફર્ટેબલ છે અને આ બધાં જ માસ્કની હાલ યુએસએ, મિડલ ઇસ્ટ અને યુકેમાં માગ વધી રહી છે. ગયા અઠવાડિયાથી શરૂ કરેલ એક્સપોર્ટમાં 5000 જેટલા માસ્ક USA અને UKમાં ગયાં છે તે લોકો બ્લોક પ્રિન્ટ ડિમાન્ડ વધારે કરે છે.