અમદાવાદ : ભારતીય વૈજ્ઞાનિકોએ બુધવારે એવો કરિશ્મા બતાવ્યો, જેના પર સમગ્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને તેમના પર માન વધી ગયું છે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ભારત આ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ એટલા માટે છે કારણ કે અત્યાર સુધી ચંદ્ર પર મોકલવામાં આવેલા તમામ મિશનમાં, તેમાંથી કોઈ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લક્ષ્ય રાખ્યું ન હતું. ચંદ્રના આ ક્ષેત્રમાં ખૂબ જ પ્રતિકૂળ સ્થિતિ માનવામાં આવે છે. અહીં તાપમાન પણ ઘણું નીચું રહે છે. આ સફળતાને એક અવસરમાં બદલવા માટે વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ ઇસરો ટીમને શુભેચ્છાઓ આપી છે. તેમજ ગુજરાતમાં પણ આ અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર તેમજ વિપક્ષ આ બાબતને લઇને ઉત્સાહમાં જોવા મળી રહી છે. લોકો પણ તેમના વિસ્તારમાં ઉજવણી કરી રહ્યા છે.
પાટીલે પાઠવી શુભેચ્છાઓ :ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના નિવાસ્થાને TV ઉપર નિહાળ્યું હતું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. પાટીલએ જણાવ્યું હતું કે, આ નવા ભારતનો જયઘોષ છે! ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે. ઇસરોનાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે !.
કથાકાર મોરારી બાપુએ અભિનંદન પાઠવી ઉજવણી કરી : ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા કથાકાર મોરારી બાપુએ તેમના નિવાસ સ્થાન તલગાજરડા ખાતે લાઇવ નિહાળ્યું હતું. ત્યા તેમના ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ લોકોએ હાથમાં તિરંગો લઇને લહેરાવ્યો હતો. તમામના મોઢા પર એક અલગ જ પ્રકારની સ્માઇલ જોવા મળી રહી હતી. તમામ લોકોએ ઇસરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઋષિકેશ પટેલે શુભકામનો પાઠવી : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ચંદ્રયાન-3 ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ISROના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ- રાત મહેનત કરીને ચંદ્રયાન-3ને સફળ પરિણામ સુધી પહોંચાડ્યુ છે તે બદલ તમામ વૈજ્ઞાનિકોને સહર્ષ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ચંદ્રયાન 3ની સફળતામાં ગુજરાતમાં સ્થિત ISRO અને તેના વૈજ્ઞાનિકોનો પણ અમૂલ્ય ફાળો હોવાનું ગૌરવપૂર્ણ જણાવ્યું હતુ.